અમદાવાદ : અમદાવાદ અડધી રાત્રે પણ યુવાઓના નાઇટ આઉટિંગથી સતત ધમધમતું રહે છે, પરંતુ બુધવારે રાતે 11.30 વાગ્યે શહેરમાં અચાનક જ લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું. શહેરના બ્રિજ રસ્તા પર ટ્રાફિક રોકી દેવામાં આવ્યો હતો. આખા શહેરમાં જે લોકો જ્યાં હતા ત્યાં જ તેમને રોકી દેવામાં આવ્યા હતા. એક કલાક સુધી ચાલેલી આ પ્રક્રિયામાં લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા કે શું થયું હશે, આમ કેમ થઈ રહ્યું છે.
કન્ટ્રોલ રૂમથી મેસેજ આવ્યો હતો કે, સિલ્વર કલરની કારમાં ચાર લોકો ભાગી રહ્યા છે. તેમનો તાત્કાલિક પીછો કરવામા આવે. આ મેસેજ આવતા જ તમામ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દોડતા થયા હતા. ગણતરીની મિનિટમાં પોલીસની ફોજ નાકાબંધીના કામમા લાગી ગઈ હતી, અને પોલીસ ચેકિંગમાં ગોઠવાઈ ગઈ હતી. તાત્કાલિક બેરિકેડ્સ મૂકાયા હતા. લોકોને અટકાવી દેવાયા હતા. ગણતરીની મિનિટોમાં પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ રસ્તા પર ઉતરી આવ્યો હોય તેવુ લાગ્યુ હતું.
આખુ શહેરમાં રાતે 11.30 વાગ્યાની આસપાસ પોલીસે બાનમાં લીધુ હતું. આખરે પકવાન ચાર રસ્તા પાસે આ કાર મળી આવી હતી, જેથી પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આ અંગે અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર રાજેન્દ્ર અસારીએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયાને લોકડાઉન પ્રક્રિયા કહેવામાં આવે છે. જે એક કલાક સુધી ચલાવવામાં આવી હતી. કોઈપણ સંજોગોમાં પોલીસ એલર્ટ કરવા માટેની આ પ્રક્રિયા છે. પોલીસ કંટ્રોલ રૂમથી મેસેજ કર્યા બાદ પોલીસ કેટલી ઝડપી બને છે એ જાણવા મળે છે.