અમદાવાદ : ગુજરાતમાં સમાજને વિચારતા કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદની દસમા ધોરણમાં સીબીએસઇમાં ભણતી બે સગીરા એક સગીર અને યુવકના પ્રેમમાં પડી હતી. જે બાદ તેઓ શાળા અને ટ્યુશનથી છૂટીને અવારનવાર હરવા ફરવા જતા હતા. વાત આટલેથી જ નથી અટકતી. સગીરા તેના આ મિત્રો સાથે પોતાના ઘરમાંથી દાગીના અને રૂપિયાની ચોરી કરીને પહેલા મુંબઈ અને પછી ગોવા ફરવા જતી રહી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના એસ.જી. હાઇવે નજીકના એક વિસ્તારમાં રહેતી બે સગીરા ધો.10 સીબીએસઇમાં અભ્યાસ કરે છે. સગીરાને સગીર સાથે જ્યારે અન્ય સગીરાને યુવક સાથે મિત્રતા કેળવાઈ હતી. આ ચારેય લોકો એકબીજાને વારંવાર મળતા હતા. જ્યારે મળતા ત્યારે ઘરેથી દૂર ફરવાના પ્લાનિંગ પણ કરતા. એક દિવસ સગીરાએ મોજશોખ પૂરા કરવા માટે પોતાના જ ઘરે સોનાના દાગીના ચોરી લીધા હતા. બાદમાં સગીરા તેનો સગીર પ્રેમી, સગીર બહેનપણી અને તેનો પ્રેમી મળીને ચારેય લોકો અમદાવાદ બહાર નીકળી ગયા હતા. આ લોકો ફરતા ફરતા મુંબઈ પહોંચ્યા અને ત્યાં સગીરાએ દાગીના વેચીને 70 હજાર જેટલા રૂપિયા મેળવી લીધા હતા. જે બાદ આ લોકો ગોવા ફરવા ગયા હતા.
જોકે, સગીરાઓના પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. ત્યારે ટેકનિકલ સર્વેલન્સના આધારે સગીર તેના પરિચિત વ્યક્તિ સાથે વાત કરતી હોવાનું સામે આવ્યું. જે બાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ હાથ ધર્યું હતું. બાદમાં ચારેયને ગોવામાંથી શોધી કાઢ્યા હતા. પોલીસ ચારેયને લઈને અમદાવાદ આવી પહોંચી હતી. જોકે એક સગીરાએ પાછું માતા-પિતા સાથે ન રહેવાનું કહેતા હાલમાં તેને બાળ સુધાર ગૃહમાં મોકલી છે. આ સાથે પોલીસે તે બોર્ડની પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા પણ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
માતા-પિતાએ 10થી 20 વર્ષના બાળકો સાથે ખૂબ જ સમજદારીપૂર્વક વર્તવાની જરૂર હોય છે. ખાસ કરીને આજના સમયમાં સોશિયલ મીડિયાની અસર નીચે જીવતા તમારા સંતાનો સાથે સતત સંપર્કમાં રહેવું, તેમની સાથે લાગણીનો સંબંધ વધારે મજબૂત બનાવતા રહેવું અને એક મિત્રની જેમ વર્તવું જરૂરી છે. મોટાભાગના માતા-પિતા દીકરીઓ માટે જાસૂસ બની જતા હોય છે અને તેથી જ બળવાના ભાગરૂપે પણ દીકરીઓ ખોટા પગલાં ભરતી હોય છે, તેવું ઘણા મનોચિકિત્સકો અને સમાજશાસ્ત્રીઓ કહે છે.


