અમદાવાદ : રાજ્યના હાઉસિંગ બોર્ડના જુના આવાસોના રિ-ડેવલપમેન્ટને વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા અનેક મહત્વપૂર્ણ જન હિતકારી નિર્ણયો લેવામાં આવે છે. અગાઉ, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસૂલવામાં આવતા અનધિકૃત બાંધકામ માટે ટ્રાન્સફર ફી, વહીવટી ફી અને ઉપયોગ શુલ્કની રકમમાં મકાનમાલિકોને રાહત આપવામાં આવતી હતી.હાઉસિંગ બોર્ડ દ્વારા મકાનમાલિક અથવા રહેઠાણ માલિકની તરફેણમાં લેવાયેલા નિર્ણયથી રિડેવલપમેન્ટ પ્રક્રિયા ઝડપી બનશે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા હવે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, હાલ શહેરમાં 250થી વધુ સોસાયટીમાં રિડેવલપમેન્ટ કામ ચાલે છે. ત્યારે રિડેવલપમેન્ટ સ્કીમમાં દસ્તાવેજ બાકી હોય તો પણ ગેરકાયદેસર બાંધકામ ફી માફ થશે.રિડેવલપમેન્ટ સ્કીમમાં સોસાયટીના 75 ટકાથી વધુ લોકોની સંમતિ મેળવી લીધી હશે, તેવી સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની સંમતિ આપનાર મકાન માલિકના દસ્તાવેજ બાકી હશે તો ગેરકાયદે બાંધકામની ફી વસુલવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી બોર્ડની સોસાયટીઓના સભાસદો મકાનના દસ્તાવેજ કરવા જાય કે રિડેવલપમેન્ટમાં મંજૂરી આપે ત્યારે મકાનની કેટેગરી અને વિસ્તાર પ્રમાણે ૭૫ હજાર સુધીની રકમ ગેરકાયદે બાંધકામના દંડ તરીકે વસૂલાતી હતી. જે હવે નહીં વસુલાય.
ગુજરાત હાઉસિંગ બોર્ડે કરેલા પરિપત્રમાં જાણવા મળ્યું છે કે, રિડેવલપમેન્ટ પ્રક્રિયા અંતર્ગત જે સોસાયટીઓમાં લેટર ઓફ એક્ષેપ્ટન્સ (LOA) આપ્યા બાદ 75 ટકા સંમતિ મેળવી લીધી હોય જે સોસાયટી રિડેવલપમેન્ટમાં મંજૂર થઇ હોય તેવી સોસાયટીઓમાં જૂના બાંધકામને તોડી પાડવામાં આવી છે. જેથી આવી સોસાયટીઓમાં રહેતા લાભાર્થી કે કબજેદારો દ્વારા દસ્તાવેજ બાકી હોય અને રિડેવલપમેન્ટમાં સંમતિ આપી હશે તો તેવા લોકો પાસેથી અનઅધિકૃત બાંધકામ કે દબાણની વપરાશ ફીની રકમ વસૂલવામાં આવશે નહીં.
હાલ ગુજરાત હાઉસિંગ બોર્ડની 42 સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે 17 સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા પૂર્ણ થવાના આરે છે અને ડિમોલીશનની કામગીરી શરૂ થશે. 13 સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની નિયત પ્રક્રિયા પૂર્ણ થતાં જ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાશે. જ્યારે ૧૧ સોસાયટીઓમાં ટેન્ડર મંગાવવામાં આવ્યા છે જે ખોલવાના બાકી છે.