અમદાવાદ : અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે અને તેમાંય સરદાર પટેલ રિંગ રોડ (એસપી રિંગ રોડ) પર ટ્રાફિકનું ભારણ સતત વધી રહ્યું છે, ત્યારે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA)એ એસપી રિંગ રોડને સિક્સલેનનો કરવાની યોજના બનાવી છે. ઔડાએ તેના વર્ષ 2025-26ના બજેટમાં 76 કિમીના એસપી રિંગ રોડને પહોળો કરવા માટે 300 કરોડ રૂપિયા ફાળવ્યા છે અને તેમાં પશ્ચિમમાં 39 કિમી અને પૂર્વમાં 37 કિમીનો વિસ્તાર આવરી લેવામાં આવશે. તેમજ ઔડાનો પ્લાન સાણંદને સેટેલાઈટ સિટી તરીકે વિકસાવવાનો પણ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઔડા દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં સરદાર પટેલ રિંગરોડને અપગ્રેડ કરવા પાછળ રૂ. 300 કરોડ ફાળવવામાં આવ્યા છે. રિંગરોડને સિક્સલેન કરવામાં આવશે. રિંગરોડ પર સર્વિસ રોડ સાથે મળીને કુલ 10 લેન બનશે, જેમાં એકસપ્રેસ વે મુજબ હોવાના કારણે અલગ લેન બનશે તેમજ નવો બનનારા 6 લેન રિંગરોડ પર હાલમાં ચૂકવવામાં આવતા ટોલ કરતાં દોઢ ગણો વધુ ટોલ ચૂકવવો પડી શકે છે.નાના-મધ્યમ વાહનો પાસેથી પણ ટોલ વસૂલ કરવા અંગે ઔડા દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. રિંગરોડને એકસપ્રેસ વેની જેમ બનાવવામાં આવશે, જેમાં ટુ- વ્હીલર, નાના-મધ્યમ વાહનો અને ભારે વાહનો અલગ-અલગ લેન પર ચાલશે.
ઔડા વિસ્તારમાં આવતા સાણંદ શહેરના વિકાસને ધ્યાનમાં રાખીને સેટેલાઇટ ટાઉનસિટી બનાવવામાં આવશે. ઔડા હસ્તકના સાણંદ ગ્રોથ સેન્ટરમાં આવેલી ટી.પી.સ્કીમ નં.1થી 10B સુધીની ટી.પી. સ્કીમોમાં ઔડા દ્વારા પાયાની સુવિધા તેમજ ઇન્ફાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવાનું આયોજન છે, જેમાં વિવિધ ટી.પી.સ્કીમોના રોડનાં કામો, ગાર્ડન અને લેક ડેવલપમેન્ટ (ગ્રીન ઈન્ફાસ્ટ્રક્ચર) તથા સોશિયલ ઈન્ફાસ્ટ્રક્ચર (લાઇબ્રેરી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સિવિક સેન્ટર, ઓડિટોરિયમ હોલ) જેવી સુવિધાનાં કામોનું આયોજન ઔડા દ્વારા હાથ ધરવામાં આવશે.


