અમદાવાદ : અમદાવાદમાં લોકોને કાયદો વ્યવસ્થાનો ડર ન હોય તેઓ માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના પોશ વિસ્તાર એવા ઇસ્કોન પોલીસ ચોકી પાસે જાહેરમાં નબીરાઓ દારૂ પીને મ્યુઝિકના તાલે ઝૂમી રહ્યા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. પોલીસે વીડિયોમાં દેખાતા શખ્સોની ઓળખ કર્યા બાદ તમામ 8 યુવકને ઝડપી લીધા છે.જોકે તેમની આ મોજ મસ્તી હવે તેઓને ભારે પડી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ઇસ્કોન બ્રિજ પાસે આવેલી ઇસ્કોન પોલીસ ચોકી પાસેના એક કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે જાહેરમાં નબીરાઓ હાથમાં દારૂની બોટલ લઈને દારૂ પી રહ્યા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં ખુલ્લેઆમ નબીરાઓ દારૂ પીને મ્યુઝિકના તાલે ઝૂમતા દેખાઈ રહ્યા હતા. નજીકમાં જ પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકી હોવા છતાં નબીરાઓ કાયદાનું ભાન ભૂલીને ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણી રહ્યા હતા.
સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થયા બાદ ગણતરીના કલાકોમાં જ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. ઇસ્કોન શિવાલિક શિલ્પ બિલ્ડિંગ બહાર દારૂની મહેફિલ માણતા તમામ આરોપીઓની સેટેલાઈટ પોલીસ દ્વારા ધરપકડ કરી છે. આરોપીઓએ 7 માર્ચના રોજ દારૂની મેહફીલ માણી હતી જેના બાદ ઇન્સ્ટાગ્રામમાં સાગરમાફિયા99 એકાઉન્ટ પર દારૂ મેહફીલનો વિડીયો પોસ્ટ કર્યો હતો.
વીડિયો પોસ્ટ કરનાર વોન્ટેડ આરોપી સાગર પરમાર અને પિયુષ મકવાણા વિરુદ્ધ અગાઉ પણ ગુનાઓ નોંધાયા છે. આરોપી પિયુષ વિરુદ્ધ સુરેન્દ્રનગરના થાનગઢમાં રાયોટીંગ અને અમદાવાદના સેટેલાઈટમાં હત્યાના પ્રયાસનો ગુનો છે. જ્યારે આરોપી સાગર પિતામ્બર પરમાર ઉર્ફે સાગર ડોન વિરુદ્ધ સેટેલાઈટમાં હત્યાનો પ્રયાસ, બોડકદેવમાં ધમકી, રાણીપમાં હુમલાની અને વસ્ત્રાપુરમાં રાયોટીંગની ફરિયાદ નોંધાયેલ છે.
ધરપકડ કરાયેલ આરોપીઓ
1- પિયુષ દિનેશભાઈ મકવાણા – સેટેલાઇટ
2- પ્રકાશ મકવાણા – ઓગણજ
3- મયુર શાંતિભાઈ મકવાણા – વેજલપુર
4- મયંક સુરેશભાઈ મકવાણા – જુના વાડજ
5- હિરેન નટવરભાઈ સોલંકી – ઘુમા
6- અમિતસિંહ જાયેન્દ્રસિંહ ડાભી – નારણપુરા
7- સંજય ઉર્ફે સાગર પરમાર (સાગર ડોન) – બોપલ
8- પિયુષ ઉર્ફે નવાબ દિનેશભાઇ પરમાર