અમદાવાદ : ગુજરાત ATS અને DRI ના દ્વારા અમદાવાદમાં એક બંધ ફ્લેટ પર દરોડો પાડ્યો હતો. અને 95 કિલોથી વધુ દાણચોરી કરેલું સોનું જપ્ત કર્યું હતું. આ કાર્યવાહીમાં 60 લાખ રૂપિયાથી વધુ રોકડા અને 3 કરોડ રૂપિયાથી વધુ કિંમતની મોંઘી ઘડિયાળો પણ જપ્ત કરવામાં આવી હતી. આટલી મોટી રકમ ગણવા માટે મશીન મંગાવવું પડ્યું હતું. સાથે જ આ મામલે આજે ATSએ પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત ATS દ્વારા આજે જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી જેમાં તેમણે જણાવ્યું કે સ્થળ પર રેડ કરી તે સમયે તેમને ત્યાંથી કુલ 87.92 કિલો સોનું અને 19.66 કિલો દાગીના મળી આવ્યા હતા. એટલે કે કુલ 107.58 કિલો સોનું મળી આવેલું. સાથે જ તે ઘરમાંથી પોલીસને 11 બ્રાન્ડેડ ઘડિયાળો પણ મળી આવી હતી. આ તમામ મુદ્દામાલની કિંમત 100 કરોડ કરતાં વધારે હોવાનું સામે આવ્યું છે. સાથે જ ત્યાં ફ્લેટ પરથી 1.37 કરોડની રોકડ રકમ પણ પોલીસને મળી આવી છે.
સમગ્ર મામલે ATS દ્વારા DRI સાથે આ મામલો શેર કરવામાં આવ્યો અને બંનેએ જોઈન્ટ ઓપરેશન હાથ ધરીને ફ્લેટમાં રેડ કરી હતી. આરોપી મેઘ મહેન્દ્ર શાહ દ્વારા આ ફ્લેટને ભાડે રાખવામાં આવ્યો હતો. જ્યારે ATS અને DRIની ટીમ દ્વારા ફ્લેટમાં રેડ કરવામાં આવી હતી. તે સમયે ફ્લેટમાં મોટા પ્રમાણમાં સોનું, રોકડ રકમ અને દાગીના મળી આવ્યા હતા.