
અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધોલેરા નજીક બાવળીયાળીમાં સંત શ્રી નગાલખા બાપા-ઠાકરધામના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપજ્ઞાન ગાથામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભરવાડ સમાજના લોકોને સંબોધિત કરતા તેમણે જણાવ્યું હતું કે, ભરવાડ સમાજ ‘ઠાકર કરે ઈ ઠીક’ના વિચાર સાથે ભગવાન સઘળું સારું કરશે તેવી આસ્થા રાખનારો સમાજ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય સનાતન સંસ્કૃતિના પુનઃસ્થાપનનો યુગ શરૂ થયો છે. દેશભરના દેવસ્થાનોને આધુનિક થવા સાથે ભવ્ય અને દિવ્ય બની રહ્યા છે. વિરાસતથી વિકાસની આ યાત્રામાં નાનામાં નાનો નાગરિક પણ જોડાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે. એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભગવાન શ્રી કૃષ્ણના ઉપાસક ગોપાલક સમાજનું પશુપાલન ક્ષેત્રે પણ મોટું યોગદાન છે. રચનાત્મક પ્રવૃતિઓમાં પણ સમાજની એકતાના દર્શન કરાવી સમાજમાં વિશ્વાસનું વાતાવરણ સર્જ્યું છે. ભરવાડ સમાજે રૂઢિગત પરંપરાઓને તિલાંજલિ આપી આધુનિક પ્રગતિશીલ પરંપરા અપનાવી શિક્ષણ અને તાલીમ દ્વારા પરિવર્તનશીલ સમાજનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. એમ તેમણે ઉમેર્યું હતું.આ અવસરે મહિલાઓના હૂડો રાસને આભૂતપૂર્વ ગણાવી વિક્રમ રચવા બદલ મુખ્યમંત્રીએ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.
સરકારના પ્રયાસોમાં સમાજના પ્રયાસો જોડાય ત્યારે બમણી પ્રગતિ થાય છે. વડાપ્રધાનશ્રીના આ વિધાનને ટાંકી તેમણે સંત શ્રી નગાલાખા ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી ચાલતી સામાજિક પ્રવૃત્તિઓને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવી હતી. અંતે તેમણે એક પેડ મા કે નામ, કેચ ધ રેઇન, સ્વચ્છ ભારત, મેદસ્વીતા મુક્ત ભારત અભિયાન જેવા પ્રકલ્પોમાં જોડાવવાની જન અપીલ કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય સર્વ જીતુ વાઘણી, કાળુ ડાભી, કિરીટસિંહ ડાભી પૂર્વ ધારાસભ્ય ભવાનભાઈ ભરવાડ, લાખાભાઈ ભરવાડ, વિઠ્ઠલભાઈ ભરવાડ, હરીશભાઈ ભરવાડ તેમજ ઠાકરધામના મહંત રામબાપુ, તોરણીયા ધામના મહંત રાજેન્દ્રદાસજી બાપુ તથા ભરવાડ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.