અમદાવાદ : શહેરના ચાંદખેડા વિસ્તારમાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અમદાવાદના ચાંદખેડા ગામ બસ સ્ટેન્ડ પાસે AMTS બસ સ્ટેન્ડ પાસે એક બસ ઉભી હતી. જ્યાં એક SUV કાર પાછળથી ઘૂસી ગઈ છે. જેના કારણે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. આ ગોઝારા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.આ અકસ્માત અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.અક્સ્માતના CCTV વાયરલ થયા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ચાંદખેડા ગામ બસ સ્ટેન્ડ પાસે AMTS બસ સ્ટેન્ડ પાસે એક બસ ઉભી હતી.ત્યારે પાછળથી તેજ રફતારથી આવતી XUV કાર ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારચાલક પાસે બેસેલા વિકાસ શુક્લા નામના વ્યક્તિનું મોત નીપજ્યુ હતું, જ્યારે કારચાલક પ્રકાશકુમાર સિંઘ (રહે. ચાંદખેડા) અને બસમાં ચડતા પેસેન્જરો ઈજાગ્રસ્ત થયા હતા. કારની ટક્કર એટલી જોરદાર હતી કે બસ 10 ફૂટ આગળ સુધી ધકેલાઈ હતી.
આ અકસ્માત બાદ બસ ડ્રાઇવર નજીકના પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. આ અકસ્માત અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ અકસ્માત બાદ સ્થાનિક લોકોના ટોળેટોળા ત્યાં આવી પહોંચ્યા હતા. જેના કારણે રસ્તા પર ટ્રાફિકના દૃશ્યો પણ સર્જાયા હતા.
પોલીસ સૂત્રો મુજબ, SUV કારમાંથી બે દારૂની બોટલ ફૂટેલી હાલતમાં મળેલ છે જે અંગે સ્થાનિક પોલીસ દ્વારા કબજાનો કેસ કરવાની તજવીજ હાથ ધરાશે. મૃતક અને ઈજાગ્રસ્ત વ્યક્તિના બ્લડ સેમ્પલ લેવામાં આવશે અને જો નશાની હાલતમાં હશે તો એ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પ્રત્યક્ષદર્શીના કહેવા પ્રમાણે, કાર ફૂલ સ્પીડમાં જતી હતી ત્યારે બસના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી. બસમાં ચડતા લોકો ગભરાઈ ગયા હતા અને બૂમાબૂમ કરવા લાગ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે, કાર ચાલક નશામાં હોઈ શકે છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.