અમદાવાદ : અમદાવાદીઓનું સૌથી મનપસંદ સ્થળ અને ખાણી-પીણી બજાર માણેકચોક છેલ્લાં એક મહિનાથી બંધ હતું. અમદાવાદીઓનું સૌથી મનપસંદ સ્થળ હવે સોમવાર (7 એપ્રિલ) થી ફરી શરૂ થઈ જશે. હવે ફરીથી ખાવાના શોખીન લોકો અમદાવાદના માણેકચોકની ભાજીપાવ, પીઝા, ભેળ, આઈસ્ક્રીમ, કે સેન્ડવીચ સહિતની ચીજવસ્તુઓની મજા માણી શકશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના માણેકચોક વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઈનની કામગીરી કરવાની હોવાના કારણે 5 માર્ચ, 2025થી રાત્રિ ખાણી-પીણી બજાર બંધ કરવામાં આવ્યું હતું. સતત એક મહિના સુધી કામગીરી કરવાની તેમજ જ્યાં ખાણીપીણી બજાર આવેલું હતું, ત્યાં ભારે મશીનરી મૂકવાની હતી. જેના કારણે રાત્રિ ખાણીપીણી બજાર બંધ કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી. તેથી વ્યાપારીઓએવેપારીઓએ સહકાર આપી અને એક મહિના માટે બજાર બંધ કર્યું હતું. કામગીરી પૂર્ણ થઇ જતા જ્યાં પણ ખોદાણ કરવામાં આવ્યું હતું, ત્યાં રોડ રીસરફેસ કરી દેવામાં આવ્યો છે અને 7 એપ્રિલથી ફરીથી આ બજાર શરૂ થશે.
માણેક ચોક વિસ્તારમાં ફલો ડાયવર્ઝન તેમજ સી.આઈ.પી.પી લાઈનર નાખવાની કામગીરી કરવામાં આવી છે. માણેકચોક વિસ્તારમાં ગલીઓની પહોળાઈ સાંકડી હોવાથી તેમજ અમુક સ્થળે લાઈન રોડની વચ્ચે આવતી હોવાથી મશીનરી મૂકવામાં લોકોને અવરજવરમાં અગવડતા ઊભી થાય તેમ હતી, જેના કારણે માણેકચોકનો વિસ્તાર બંધ કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, હોળી પહેલાં તંત્ર દ્વારા ખાણી-પીણીના વિક્રેતાઓ અને સોની બજારના વેપારીઓને બજાર બંધ રાખવાની સૂચના આપી દેવામાં આવી હતી. હાલ, ડ્રેનેજ કામગીરી પૂર્ણ થયા બાદ તંત્રએ ફરી બજાર ખોલવાની જાહેરાત કરી છે.