અમદાવાદ : રથયાત્રાના એક દિવસ અગાઉ એટલે ગુરુવારે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા વાડજની અક્ષર પ્રાથમિક શાળા દ્વારા 15મી રથયાત્રા જોર-શોરથી નીકાળવામાં આવી હતી. જો કે કોરોનાકાળ દરમ્યાન સતત બે વર્ષ સુધી આ રથયાત્રા મુલત્વી રખાઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજમાં આવેલ અક્ષર પ્રાથમિક શાળાની 15મી મીની રથયાત્રા જોર-શોરથી નીકળી હતી. દર વર્ષની પરંપરા મુજબ આ મીની રથયાત્રામાં સુંદર શણગારેલ રથમાં બિરાજેલ જગન્નાથ ભગવાન, સુભદ્રાજી અને બલરામજીની ભાવ જગાવતી પ્રતિમાઓ અને આકર્ષક શણગાર જોવા માટે સમગ્ર વિસ્તારના રહીશો, રથયાત્રા રૂટ પરના વાહન ચાલકો તથા અબાલ વૃદ્ધ સર્વેએ દર્શનનો લાભ લીધો હતો. અક્ષર પ્રાથમિક શાળાએ લગભગ 70 કિલો મગની પ્રસાદી, તેમાં જાંબુ અને સાથે સાથે વિવિધ ચોકલેટનો પ્રસાદ ભગવાનને જે સામે મળ્યા તે દરેકને પ્રસાદી સ્વરૂપ અર્પણ કર્યો હતો.
લગભગ બે કિલોમીટરના રૂટમાં ઠેર ઠેર રહીશો દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી અને સાથે સાથે બાળકોએ ગરમીમાંથી છુટકારો મેળવવા પેટ ભરીને શરબતરૂપી અમૃત માણવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ મીની રથયાત્રામાં શાળાના નાના ભૂલકાઓથી લઈ, તેમના માતા-પિતા, શિક્ષકો તથા સમગ્ર શાળા પરિવાર અને સાથે સાથે વિસ્તારના ધાર્મિક ભક્તોએ રથયાત્રાને સફળ બનાવવામાં પોતાનો યથાશક્તિ ફાળો આપ્યો હતો.
શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શાંતાબેન જોષીએ બાળકોને રથયાત્રાનો ઇતિહાસ શબ્દ સહ જણાવ્યો હતો. આજ સહજ અને સરળ માર્ગ છે જેના દ્વારા બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક સંસ્કારનું સિંચન થઈ શકે અને તેના દ્વારા સમગ્ર રાષ્ટ્રનો નૈતિક વિકાસ થઈ શકે છે એવું જણાવ્યું હતું.