અમદાવાદ : અમદાવાદીઓ માટે ખુશખબર આવ્યા છે, અમદાવાદના પ્રખ્યાત ખાણીપીણી બજાર એવા લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટને ફરી ધમધમતી કરવા માટે જુના 36 જેટલા ખાણીપીણીના વેપારીઓને ભાડું ઘટાડવાનો નિર્ણય આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવ્યો છે. ત્યારે અગાઉના 36 સ્ટોલ ધારકો ઉપરાંત અન્યોને ટેન્ડર મુજબ સ્ટોલની ફાળવણી કરવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના લૉ ગાર્ડન ખાતે વર્ષ 2019માં AMCએ રિડેવલપમેન્ટ કરીને હેપ્પી સ્ટ્રીટ બનાવવામાં આવ્યું હતું. લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટ ફરીથી શરૂ કરવા માટે અગાઉ ધંધો કરનારા વેપારીઓને ફરીથી જગ્યા ફાળવવામાં આવી હતી, જેમાં કુલ 36 જેટલા વેપારીઓ હતા. વેપારીઓની રજૂઆતોને ધ્યાનમાં લઈને તેમને ભાડામાં રાહત આપવાનું નક્કી કરાયું છે અને તેમની પાસેથી મહિને રૂ.25000 ભાડું વસૂલવાનું નક્કી કરાયું હતું, તેમાં રૂ.10000 ઘટાડો કરીને તેમને રાહત આપવાનો નિર્ણય કરાયો છે. લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટમાં 36 વેપારીઓને લાયસન્સ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.ત્યારે ટેન્ડર મુજબ સ્ટોલ માટે જગ્યા આપવામાં આવશે અને એક સ્ટોલ દીઠ 15 હજાર ભાડુ રહેશે.
અમદાવાદના લૉ ગાર્ડન ખાતે AMCએ રિડેવલપમેન્ટ કરીને હેપ્પી સ્ટ્રીટ તૈયાર કરવામાં આવ્યું હતું. જ્યાં વિવિધ સ્ટોલ ધારકો દ્વારા ખાણીપીણીનું બજાર ચાલતું હતું. જ્યારે અમુક સમય બાદ AMCએ અહીં ફૂડ સ્ટ્રીટ બંધ કરીને પે એન્ડ પાર્કિંગ બનાવી દીધું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનને ભાડું ચૂકવ્યું નહોતું. આવાં કેટલાક વેપારીઓ પાસે ભાડાની બાકી રકમ વસૂલવા અંગેનો મુદ્દો હજુ પેન્ડિંગ છે જેને લઈને સ્ટોલ ધારકોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જ્યારે હવે AMC દ્વારા લૉ ગાર્ડન ખાતે ફરીથી હેપ્પી સ્ટ્રીટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, ત્યારે અગાઉના 36 સ્ટોલ ધારકો ઉપરાંત અન્યોને ટેન્ડર મુજબ સ્ટોલની ફાળવણી કરવામાં આવશે.