અમદાવાદ : અમદાવાદ-ગાંધીનગરમાં દોડતી મેટ્રો ટ્રેનમાં રોજના હજારો લોકો મુસાફરી કરે છે, ત્યારે ગાંધીનગર રૂટ પર નિરીક્ષણની કામગીરી કરવાની હોવાથી આગામી 19 અપ્રિલે સવારે 8 વાગ્યાથી બપોરના 12:30 સુધી અમદાવાદ-ગાંધીનગર (મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1/ગિફ્ટ સિટી) વચ્ચે મેટ્રો ટ્રેનની સેવા બંધ રહેશે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા પ્રેસનોટ જાહેર કરીને જણાવ્યું હતું કે, તા.19 એપ્રિલના રોજ સવારે 8 થી બપોરે 12:30 વાગ્યા સુધી ગાંધીનગર રૂટ (મોટેરા સ્ટેડિયમથી સચિવાલય/ગિફ્ટ સિટી) નું નિરીક્ષણ કરશે. જેથી મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1/ગિફ્ટ સિટી વચ્ચે મેટ્રો ટ્રેન સેવાઓ એટલા સમય સુધી સ્થગિત રહેશે. ત્યારબાદ, અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની બધી ટ્રેનો હાલના સમયપત્રક મુજબ દોડશે.
જ્યારે બપોરના 12:30 વાગ્યા બાદ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રૂટની તમામ ટ્રેનો હાલના સમય મુજબ કાર્યરત રહેશે. જેમાં 19 એપ્રિલે ગાંધીનગર રૂટ પરની પહેલી ટ્રેન બપોરે 12:58 વાગ્યે સેક્ટરથી મોટેરા સ્ટેડિયમ અને મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1ની ટ્રેનનો સમય બપોરે 13:12 વાગ્યાનો રહેશે. અમદાવાદમાં ટ્રેન સેવાઓ (વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ અને APMC થી મોટેરા સ્ટેડિયમ) રાબેતા મુજબ જ રહેશે.
સામાન્ય દિવસ કરતા IPL મેચના કારણે અમદાવાદ મેટ્રોની આવકમાં 2 ગણો વધારો થયો છે. અત્રે જણાવીએ કે, મેચને લઈ મેટ્રોના સમયમાં ફેરફાર કરી સમય લંબાવવામાં પણ આવ્યો હતો. ત્યારે અમદાવાદ મેટ્રોને IPLની મેચો ફળી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL 2025ની ડે-નાઇટ મેચોને લઇને GMRCએ અમદાવાદ મેટ્રો ટ્રેન સેવા સવારના છ વાગ્યાથી રાત્રિના 12.30 વાગ્યા સુધીનો કરી છે. હાલમાં આ સેવા સવારના 6.20 થી રાત્રિના 10 વાગ્યા સુધી છે, પરંતુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી મેચોને ધ્યાનમાં લઇ સમય સવારના 6 થી રાત્રિના 12.30 સુધીનો કરવામાં આવ્યો છે.