અમદાવાદ : ગુજરાત સરકારે ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સમાં આગામી 31મી માર્ચ સુધી પાંચ ટકા રાહત આપવાની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણય બાદ ઈલેક્ટ્રિક વાહનો (EV) પર ટેક્સનો દર ઘટીને માત્ર એક ટકા થઈ ગયો છે. સરકારના આ વર્ષના બજેટમાં આ ઘટાડાની જાહેરાત કરી હતી.
હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપતી ગુજરાત સરકાર! ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે, ગુજરાત સરકારે 31 માર્ચ, 2026 સુધી સંપૂર્ણપણે ઈલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ છૂટની જાહેરાત કરી છે. આનાથી ટેક્સ દર ઘટીને માત્ર 1% થઈ ગયો છે. નાગરિકો હવે વાહન 4.0 પોર્ટલ દ્વારા તેમના ઈલેક્ટ્રિક વાહનોની ઓનલાઈન નોંધણી કરાવી શકે છે અને તેનો સીધો લાભ મેળવી શકે છે. આ નાગરિક-કેન્દ્રિત પહેલ હરિયાળા અને સ્વચ્છ ગુજરાત તરફ રાજ્ય સરકારનું એક પગલું છે.
તમને જણાવી દઈએ કે સરકારે સબસિડી બંધ કરતાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ 44% સુધી ઘટી ગયું છે. ગુજરાત સરકાર વાહનચાલકોને કારની ખરીદી પર પર 2 લાખ સુધી-ટુવ્હીલર પર 20 હજાર સુધી સબસિડી અપાતી હતી. પરંતું છેલ્લા બે વર્ષમાં સરકારે સબસીડી આપવાની જ બંધ કરી છે. જેથી ઈલેક્ટ્રિક વાહનના વેચાણમાં ઘટાડો આવી ગયો છે. સરકારે પ્રદૂષણ ઓછું કરવા માટે સબસીડી આપવાની શરૂઆત કરી હતી, પરંતું હવે સબસીડી પર જ બ્રેક લાગી છે, તેથી લોકોએ ઈલેક્ટ્રિક વાહન ખરીદવાનું માંડી વાળ્યું છે. બીજી તરફ, વાહનો વેચનારાઓને મોટો ફટકો પડ્યો છે. જેને કારણે સરકારે ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી વધે તે માટે નવી છૂટછાટ જાહેર કરી છે.
જો 10 લાખની EV કાર હોય તો એના પર પહેલાં 6 ટકા ટેક્સ લાગતો હતો, જે હિસાબે 60 હજાર ટેક્સ ચૂકવવો પડતો હતો, પરંતુ હવે એમાં 5 ટકાનું ડિસ્કાઉન્ટ આપતાં 50 હજારનો સીધો ફાયદો થશે અને માત્ર 10 હજાર જ ટેક્સ પેટે ચૂકવવા પડશે.