અમદાવાદ : સામાન્ય રીતે ખાનગી સ્કૂલમાં વાલીઓ પોતાના બાળકોના એડમિશન લેવા માટે પડાપડી કરતા હોય છે. જરૂર પડે ડોનેશન કે મસમોટી ફી પણ આપતા હોય છે. પરંતુ અમદાવાદમાં હવે આ ચિત્ર બદલાયું છે. હવે અમદાવાદની સરકારી સ્કૂલોમાં એડમિશન માટેની લાઇનો પણ લાગી રહી છે અને કેટલીક સરકારી સ્કૂલો દ્વારા વેઇટિંગ લિસ્ટ પણ બહાર પાડવામાં આવી રહ્યું છે. જેનું તાજું ઉદાહરણ થલતેજ વિસ્તારમાં આવેલી સરકારી થલતેજ અનુપમ શાળા-2 એ પૂરું પાડ્યું છે. છેલ્લા દસ વર્ષમાં 55 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો હોવાના આંકડા સામે આવ્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની શાળાઓમાં વાલીઓનો ધસારો એડમિશન માટે જોવા મળ્યો છે. થલતેજ વિસ્તારની અનુપમ શાળાની મુલાકાત લેતા વાલીઓનો એડમિશન માટે ઘસારો જોવા મળ્યો. વાલીઓએ જણાવ્યું કે ખાનગી શાળામાં જે ફી વસૂલવામાં આવે છે તેમજ ઇતર પ્રવૃત્તિઓના નામે પણ વસૂલવામાં આવે છે. આ ઉપરાંત બાળકોને શાળાએ મોકલવાનો ટ્રાન્સપોર્ટેશન ફી પણ લેવાતી હોય છે. આ બધા ફી ના ખર્ચાને સામે સ્કૂલ બોર્ડની સ્માર્ટ શાળાઓમાં કોઈપણ પ્રકારની ફી વગર ભણાવવામાં આવે છે. આ ઉપરાંત સ્માર્ટ સ્કૂલોમાં ખાનગી સ્કૂલો કરતા પણ આ સ્માર્ટ સ્કૂલોમાં સાયન્સ લેબ, મેથ્સ લેબ, કોમ્પ્યુટર લેબ ઊભી કરવામાં આવી છે. સાથે જ મધ્યાન ભોજન પણ આપવામાં આવે છે. આટલી સારી સુવિધા સરકારી શાળામાં હોય તો ખાનગી શાળામાં બાળકોને ના ભણાવવા જોઈએ.
આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાત ઝોનની અંદાજિત 25 થી વધુ સરકારી શાળાઓમાં જોવા મળી રહી છે. જેમાં ઘાટલોડિયા, સાબરમતી, થલતેજ, જોધપુર, એલિસબ્રિજ, નારણપુરા, અસારવા, બાપુનગર, નરોડા, અમરાઇવાડી, મણિનગર, વટવા, બહેરામપુરા, નિકોલ, વસ્ત્રાલ, દાણીલીમડા, દરિયાપુર, મોટેરા, ઠક્કરબાપાનગર વિસ્તારની સરકારી સ્કૂલોનો સમાવેશ થાય છે.
સ્કૂલ બોર્ડના શાસન અધિકારી લગધીર દેસાઈએ જણાવ્યું કે, સ્કૂલ બોર્ડ દ્વારા તૈયાર કરાયેલી અધ્યતન સ્માર્ટ સ્કૂલોના કારણે અને સુવિધાના કારણે શાળાઓમાં પ્રવેશ માટે ઘસારો વધી રહ્યો છે. પાછલા દસ વર્ષમાં 55 હજારથી પણ વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી સ્કૂલબોર્ડની શાળામાં પ્રવેશ લીધો છે. આ ઉપરાંત સ્કૂલ બોર્ડની શાળાઓમાં કોર્પોરેટર, ધારાસભ્ય અને સાંસદો દ્વારા પણ પત્ર લખીને એડમિશન આપવા ભલામણ આવી રહી છે.