અમદાવાદ : અમદાવાદના સૌથી વિવાદાસ્પદ બનેલા હાટકેશ્વર બ્રિજને હવે તોડીને નવો બનાવવાની જગ્યાએ માત્ર તોડવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બ્રિજને તોડવા પાછળ 10 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા કે હાટકેશ્વર બ્રિજને સંપૂર્ણપણે તોડવા માટેનું નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. રૂ. 9.31 કરોડના ખર્ચે હાટકેશ્વર બ્રિજને તોડવા માટેનું ટેન્ડર કરવામાં આવ્યું છે. બે વર્ષ પહેલા તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દ્વારા હાટકેશ્વર બ્રિજને તોડીને નવો કરવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે હાટકેશ્વર બ્રિજને માત્ર તોડવામાં આવશે.
વિવાદોમાં આવેલો હાટકેશ્વર બ્રિજ 42 કરોડ રૂપિયામાં બનાવવામાં આવ્યો હતો. હાલ આ બ્રિજ અંદાજે ચાર વર્ષથી બંધ હાલતમાં છે. બ્રિજ પર અવરજવર બંધ કરાઈ છે. બ્રિજ માટે વારંવાર ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા, પરંતુ કામગીરી કરવા માટે કોઈ કોન્ટ્રાકટર તૈયાર થતા ન હતા ત્યારે કૉર્પોરેશન દ્વારા પાંચમી વખત બહાર પાડવામાં આવ્યું છે.
મ્યુનિ.ના ભ્રષ્ટાચારનો નમૂનો હાટકેશ્વર બ્રિજ છેલ્લાં બે વર્ષથી બંધ હોવાના કારણે લોકો હવે તેનો ઉપયોગ પાર્કિંગ તરીકે કરે છે. બ્રિજ પર ભૂતકાળમાં સટ્ટા અને દારૂની મહેફિલ પણ જોવા મળી હતી. બે વર્ષથી બ્રિજ બંધ હોવાથી સમગ્ર ટ્રાફિક બ્રિજ નીચે જાય છે, જેથી બ્રિજની આસપાસની 400થી વધુ દુકાનદારોનો ધંધો અડધો થઈ ગયો છે.