અમદાવાદ : તાજેતરમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર થયુ છે. વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતા 1.0 ટકા વધુ જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતા 1.14 ટકા પરિણામ વધુ જાહેર થયું છે. જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં શહેરનું પરિણામ રાજ્યના અન્ય શહેરોની સરખામણીએ ગગડ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, 2025માં અમદાવાદ સમગ્ર રાજ્યમાં 23 ક્રમે રહ્યું છે, ગયા વર્ષે 19મો ક્રમ હતો. શહેરનું પરિણામ 81.45 ટકા, જ્યારે ગ્રામ્યનું પરિણામ 86.31 ટકા રહ્યું છે. ગયા વર્ષની સરખામણીએ શહેરના પરિણામમાં કોઇ સુધારો થયો નથી. પરંતુ અન્ય જિલ્લાનું પરિણામ સારું રહેતા અમદાવાદ રાજ્યમાં 23માં નંબરે રહ્યું છે. શહેર ડીઇઓ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ક્લાસનું આયોજન કરાયું હતું.
શહેર શિક્ષણધિકારી મુજબ, અમે પરિણામ જાળવવામાં સફળ રહ્યાં છીએ. શહેરી વિસ્તારોમાં ઘણા પડકારો હતા. તેમ છતાં અમે પરિણામ જાળવ્યું છે. દર વર્ષે વિદ્યાર્થીઓમાં ફેરફાર થવા સાથે પરિણામમાં ફેરફાર થાય છે. અમારા શિક્ષકોએ મહેનત કરી છે અને તેનું પરિણામ અમને મળ્યું છે.
ગત વર્ષે 55 વિદ્યાર્થીને આ વર્ષે માત્ર 35ને A1 ગ્રેડ મળ્યો
અમદાવાદ શહેર અમદાવાદ ગ્રામ્ય
2025 2024 તફાવત 2025 2024 તફાવત
એ1 35 55 -20 32 32 00
એ2 466 640 -174 351 441 -90
બી1 1074 1326 -252 810 961 -151
બી2 1335 1556 -221 1056 1218 -162
સી1 1361 1543 -182 969 1172 -203
સી2 1159 1164 -5 816 825 -9
સામાન્ય પ્રવાહમાં અમદાવાદ શહેરનું પરિણામ 89.21 ટકા, ગ્રામ્યમાં 90.95 ટકા પરિણામ જાહેર થયું છે. ગયા વર્ષે શહેરનું 87.60 અને ગ્રામ્યનું 89.39 ટકા રહ્યું હતું. ગયા વર્ષની સરખામણીએ વિદ્યાર્થીઓની સંખ્યા શહેરમાં નજીવી વધુ હોવા છતા એ1 ગ્રેડ લાવનારા વિદ્યાર્થીની સંખ્યામાં 112નો વધારો થયો છે. ગ્રામ્યમાં વિદ્યાર્થીની સંખ્યા ઘટી હોવા છતાં એ1 ગ્રેડ લાવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 40 વિદ્યાર્થીઓનો વધારો થયો છે.
પરિણામ ઘટવા માટે આ કારણો જવાબદાર
સ્પર્ધાત્મક પરીક્ષા પર વધુ ધ્યાન આપવાથી બોર્ડની પરીક્ષાનું પરિણામ ઘટ્યું
સ્પર્ધાત્મક પરીક્ષામાં એમસીક્યુનું પ્રમાણ વધારે હોવાથી જેને કારણે લખવાની ટેવ વિદ્યાર્થીને નથી હોતી.
ડમી સ્કૂલોની સમસ્યાને કારણે સ્કૂલો પર અસર થઇ
કોચિંગ સેન્ટરમાં શિક્ષકો સ્પર્ધાત્મક પરીક્ષા પર જ ધ્યાન આપે છે, જેની અસર થાય છે.