અમદાવાદ : અમદાવાદમાં ફરી એક વખત કાચબાગતિએ વધી રહેલા કોરોના કેસથી સાવધ રહેવાની જરૂર છે.AMAના પ્રેસિડેન્ટ ધીરેન મહેતાએ આ નિવેદન આપ્યું છે. ચીનમાં કોરોના ફરીવાર ફેલાતા અહીં પણ લોકોમાં ડર ફેલાયો છે. પરંતુ ડરવાની જરૂર ન હોવાનું નિષ્ણાંતોનું કહેવું છે. રસીના કારણે ઈમ્યુનિટી જનરેટ થઈ ચુકી છે. પરંતુ નિષ્ણાંતો ભીડથી દૂર રહેવાની અને લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરને બતાવવાની સલાહ આપી રહ્યા છે. સાથે જ બાળકો અને વડીલોનું વિશેષ ધ્યાન રાખવાનું સૂચન તબીબો કરી રહ્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કોરોનાના કેસમાં વધારો થતા AMA (અમદાવાદ મેડિકલ એસોસિશન) ના પ્રેસિડેન્ટ ધીરેન મહેતાએ કહ્યું કે, થોડા સમય પહેલા ચીનમાં ફેલાતા ફરીવાર આપણને ડર છે. ઓમીક્રોન વાયરસ જ હાલ પણ જોવા મળી રહ્યો છે, જે વધુ ભયાનક નથી. મોટાભાગના લોકોએ વેક્સીન લીધી છે તો હર્ડ ઇમ્યુનીટી જનરેટ થઈ ચુકી છે. કોરોનાના કારણે બિનજરૂરી પેનિક થવાની જરૂર નથી. બાળકોને થાય તો ન્યુમોનિયા થઈ શકે છે. તેઓએ સૂચનો આપતા કહ્યું કે, વડીલોને પણ સાવચેતી રાખવાની જરૂર છે. લક્ષણો દેખાય તો ભીડથી દૂર રહો. લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરને બતાવો. રોગપ્રતિકારક શક્તિ સારી રહે તે માટે સંતુલિત ખોરાક લો. સરકાર સાથે આગામી સીચવેશન માટે AMA પણ તૈયાર છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 4 કોરોનાના નવા કેસ નોંધાયા છે. શહેરના તમામ દર્દીઓ પૈકી એક 84 વર્ષીય પુરુષ હોસ્પિટલમાં દાખલ છે. બાકીના તમામ અન્ય દર્દીઓ હાલમાં હોમ આઈસોલેશનમાં છે. તો કડીમાં પણ એક યુવક પોઝિટિવ છે.મે મહિનામાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે. મે મહિનામાં 38 કેસ નોંધાયા છે. જે પૈકી 31 કેસ એક્ટિવ છે. આ સાથે AMC સંચાલિત SVP, શારદાબેન અને એલ.જી.હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઊભા કરાયા છે.
ગુજરાતમાં કોરોના વાયરસે ફરીથી પગપેસારો કરતા આરોગ્ય તંત્રએ ફરી એકવાર એલર્ટ મોડ ચાલુ કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોનાના નવા કેસ ધીરે ધીરે નોંધાઈ રહ્યા છે. તાજેતરમાં રાજ્યભરમાં કુલ 9 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દ્વારા તમામ જિલ્લાઓમાં આગોતરા આયોજન શરૂ કરવામાં આવ્યું છે.