અમદાવાદ : અમદાવાદમાં ફરીથી હુક્કાબાર ધમધમતા થયા છે કે શું તેને લઈ સવાલો ઉભા થઈ રહ્યાં છે, નામાંકિત કેફેની આડમાં હુક્કાબારનો ધંધો ચાલતો હતો. શહેરના 24 કલાક ટ્રાફિકથી ધમધમતા એવા સરખેજ-ગાંધીનગર હાઈવે પર સરખેજ પોલીસે એક કાફેમાં આવેલા હુક્કાબારમાં દરોડા પાડયા હતા. જેમાં હર્બલ ફ્લૅવરની આડમાં નિકોટીનનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેથી સરખેજ પોલીસે બ્રુ-રૉસ્ટ કાફેમાં આવેલા હુક્કાબારમાં દરોડા પાડી મુદ્દામાલ કબ્જે લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના પોશ વિસ્તાર અને યુવાઓથી ધમધમતા સરખેજ-ગાંધીનગર હાઈવે પરથી સરખેજ પોલીસે બાતમીના આધારે હુક્કાબાર પકડી પાડ્યો છે. સરખેજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી જે દરમિયાન બાતમી મળી હતી કે એસજી હાઈવે પર સરખેજ મહંમદપુરા રોડ પર શ્રી રામ મોટર્સની બાજુમાં આવેલા બ્રુ રોસ્ટ કેફેમાં હુક્કાબાર ચાલે છે. જે હુક્કાબારમાં જુદા જુદા હર્બલ ફ્લેવરની જગ્યાએ નિકોટીન યુકત ફ્લેવરનાં તમાકુવાળા હુક્કા ભરી ગ્રાહકોને પીવડાવવામાં આવે છે, જેથી પોલીસે દરોડા પાડતા ત્યાંથી હુક્કાનો સામાન મળી આવ્યો હતો.
સરખેજ પોલીસે દરોડા પાડતા બ્રુ રોસ્ટ કેફેમાં હબીબ હક તેમજ જસ્ટીન પરેરા નામના બે શખ્સ મળી આવ્યા હતા, જેઓની પુછપરછ કરતા સામે આવ્યું કે આ કેફેમાં આવેલી રેસ્ટોરેન્ટ તેઓ મહિને 50 હજારનાં ભાડે ચલાવે છે, આ કેફેનાં ગાંધીનગરનાં દિવ્યરાજસિંહ ચાવડા, વિનય તિવારી અને જુહાપુરાનાં હામીદ ભાઈની ભાગીદારી માલિકીનું છે. પોલીસે કેફેમાં તપાસ કરતા 13 હુક્કા અને 13 હુક્કાની જુદી જુદી ફ્લેવર મળી આવી હતી, આણંદનો જસ્ટીન પરેરા આ હુક્કાબાર ચલાવતો હતો, પોલીસે કુલ 35 હજારનો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલા હુક્કાનાં ફ્લેવરને એફએસએલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.