અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ રીડેવલપમેન્ટ પોલીસીમાં ૨૦૧૬ પછી તાજેતરના છેલ્લાં કેટલાંક વર્ષાેમાં આવેલી પ્રગતિ બાદ છેલ્લાં એક વર્ષમાં રફતાર ધીમી પડી હોવાનો સોસાયટીઓના અગ્રણીઓ અને આગેવાનો જણાવી રહ્યાં છે, જેના માટે અનેક પરિબળો જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.
જેમાં મુખ્યત્વે હાઉસિંગ પોલીસીની અમલવારીમાં અનેક ખામીઓ, હાઉસિંગ બોર્ડની કાર્યપધ્ધતિ, હાઉસિંગના અધિકારીઓનું મનસ્વી વર્તન, અનેક સોસાયટીઓમાં હાઉસિંગ બોર્ડ અને ડેવલપરોની સાંઠગાંઠ સહિતના અનેક મુદ્દાઓનો સમાવેશ થાય છે.
એક આગેવાનના મત મુજબ, હાઉસિંગ બોર્ડ માત્ર ટેન્ડર પાડવાનું કામ કરતી હોય તેવું જણાય છે, એક વાર ટેન્ડર પ્રકાશિત કર્યા બાદ ડેવલપરને એલઓએ (વર્ક ઓર્ડર) અપાઈ ગયા બાદ બોર્ડની કામગીરી નિરસ થતી હોવાનો આરોપ લગાવી રહ્યા છે, તેઓના જણાવ્યા મુજબ, બોર્ડ ટેન્ડર-ટેન્ડર શરતો અને નિયમોનો બદલાવ કરી રહ્યા છે, એક સોસાયટીને ઘી કેળા તો બીજાને ભૂસું, જેવી નીતિઓને કારણે હાઉસિંગ સોસાયટીઓના રહીશો પરેશાન થઈ રહ્યા છે.
આ સિવાય અનેક સોસાયટીઓમાં ઈવીકશન પ્રક્રિયા મંદગતિએ કરાતી હોવાનો આગેવાનો આરોપ લગાવી રહ્યા છે, અનેક સોસાયટીઓમાં કોર્ટ કેસો થઈ રહ્યા છે, જયાં હાઉસિંગ બોર્ડની ભૂમિકા શંકાસ્પદ હોવાનું ડેવલપર અને રહીશો જણાવી રહ્યાં છે, અનેક મુદતો વીત્યા બાદ પણ હાઉસિંગ બોર્ડના વકિલ દ્વારા કેસોને લટકાવી રાખવામાં આવે છે ત્યારે રહીશો મકાન વગર પીડાય છે ત્યારે ડેવલપર સોસાયટીનો કબજાે લીધા વગર ભાડુ ભરતો થઈ જાય છે.જેના કારણે રીડેવલપમેન્ટની પ્રક્રિયા ખોરંભે ચડે છે.
આ સિવાય એક જ રોડ પર અલગ અલગ સોસાયટીઓમાં નેગેટીવ પ્રિમિયમ અને પોઝીટીવ પ્રિમિયમ વચ્ચેના મોટા ખેલ વચ્ચે સામાન્ય રહીશો પીસાઈ રહ્યાં છે, અનેક સોસાયટીઓમાં ગીફટ મની, ફર્નીચર તરીકે મની અથવા સોનાની લગડી અપાઈ રહ્યા છે તો કયાંક ડેવલપરો દ્વારા બિલકુલ હાથ અધ્ધર કરી દેવામાં આવે છે, જેના કારણે એક જ રોડ પર આવેલી સોસાયટીઓમાં રહીશોમાં મતભેડ સર્જાય છે, આખરે સોસાયટીનું રીડેવલપમેન્ટનું કામ ખોરંભે ચડે છે.
અનેક સોસાયટીઓમાં ટેન્ડર પડયા પછી એલઓએ અપાયા બાદ કોઈ મુવમેન્ટ નથી, નાના મકાનોની સામે લોકો મોટુ બાંધકામ વાળું મકાન માંગી રહ્યા છે, ત્યારે ડેવલપર અને રહીશો વચ્ચે બ્રીજ બની બોર્ડ દ્વારા કોઈ વાટાઘાટો કરાતી નહી હોવાનો આરોપ લોકો લગાવી રહ્યા છે, આ સિવાય અનેક સોસાયટીઓમાં મોટા મોટા ગેરકાયદે મકાન તાણી બાંધેલા લોકો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે, ત્યારે બોર્ડ દ્વારા આવી સોસાયટીમાં કોઈ નક્કર કામગીરી કર્યા સિવાય રીડેવલપમેન્ટની કામગીરી ફક્ત ડેવલપર અને રહીશો પર ઢોળી દેવામાં આવે છે.
આમ આવા અનેક મુદ્દાઓ, પોલીસીની ખામીઓ, અમલીકરણ અને હાઉસિંગ બોર્ડની રીતિનીતિઓને કારણએ માંડ પાટે ચડેલ રીડેવલપમેન્ટની ટ્રેન ફરી ટ્રેક પરથી ઉતરી જાય તો નવાઈ નહિ…