અમદાવાદ : તમને પથરી થઈ છે અને મોટી વાઢકાપવાળી સર્જરી કરીને જ કાઢવી પડશે, એવું કોઈ કહે તો થંભી જજો… એક વાર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવીને યુરોલોજી વિભાગમાં ડૉક્ટરને જરૂરથી બતાવજો.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ કોઈ વાઢકાપ વિના લિથોટ્રીપ્સી ટ્રીટમેન્ટ દ્વારા પથરી કાઢવામાં આવે છે.જે છે સંપુર્ણપણે પેઇનલેસ.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સિવિલ હોસ્પિટલનાં યુરોલોજી વિભાગના વડા ડો. શ્રેણિક શાહે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગ દ્વારા છેલ્લા 7 મહિનામાં લિથોટ્રિપ્સીથી ઓપરેશન વગર 500 દર્દીઓની કિડની તેમજ પેશાબની નળીમાં રહેલી પથરી દૂર કરવામાં આવી છે.તમામ દર્દીઓ પીડારહિત સામાન્ય જીવનશૈલીમાં પાછા ર્ફ્યા છે, જેમાં 84 % દર્દીઓમાં પ્રથમ પ્રયાસે જ સંપૂર્ણપણે પથરી દૂર થઈ હતી, 16 % કિસ્સામાં બે વાર લિથોટ્રિપ્સી કરી પથરી દૂર કરવામાં આવી છે. જેમાં 3 વર્ષથી લઇ 80 વર્ષ સુધીના દર્દીઓની પથરીની તકલીફ્ દૂર કરાઇ છે. આ 500 દર્દીઓમાં 340 પુરુષ દર્દી તેમજ 160 સ્ત્રી દર્દીનો સમાવેશ થાય છે.
યુરોલોજી વિભાગના વડા ડો. શ્રેણિક શાહે કહ્યું કે, 145 દર્દીઓમાં 10 mm (મિલીમીટર) સાઇઝની, 200 દર્દીઓમાં પથરીની સાઇઝ 10થી 15 mm તેમજ 155 દર્દીઓ એવા હતા જેમની પથરીની સાઇઝ 15 mm કરતાં પણ વધારે હતી. 135 દર્દીમાં મૂત્રવાહિનીના શરૂઆતના ઉપરના પેલ્વીસના ભાગમાં તથા 125 દર્દીઓમાં પથરી મૂત્રવાહિનીના ઉપરના ભાગમાં હતી.
સિવિલ હોસ્પિટલનાં મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, લિથોટ્રિપ્સીથી શરીર ઉપર કોઇ કાપો મુકવામાં આવતો નથી. દર્દીની તકલીફ્માં ઝડપી સુધારો થાય છે અને દર્દીઓ 1થી 2 કલાકમાં પોતાની રોજિંદા સામાન્ય ક્રિયાઓ પર પાછા ફરી શકે છે.કિડની તેમ જ મૂત્રમાર્ગમાં રહેલી પથરીની ઓપરેશન વગર સારવાર માટે અમદાવાદ સિવિલ મેડિસિટીની 1200 બેડ હોસ્પિટલમાં આવેલા યુરોલોજી વિભાગમાં સંપર્ક કરવાનો રહેશે.
પ્રાઈવેટ હોસ્પિટલમાં લિથોટ્રીપ્સીની સારવારનો અંદાજિત ખર્ચ જે રૂ. 10 થી 15 હજાર થાય છે. તે સિવિલ હોસ્પિટલમાં ખૂબ જ નજીવા દરે અને આયુષ્માન કાર્ડ હેઠળ સંપૂર્ણપણે નિ:શુલ્ક કરવામાં આવે છે. વધુમાં વધુ પથરીનાં દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ આ સેવાનો લાભ લેવા ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું.