અમદાવાદ : ગુજરાતીઓ ખાણીપીણીના ભારે શોખીન હોય છે. પરંતુ કેટલીક વખત ખાણીપીણીનો વ્યવસાય કરનારાઓની બેદરકારીને કારણે લોકોના જીવ જોખમમાં મુકાય છે. જેને પગલે અવાર નવાર તંત્ર દ્વારા ઠેક ઠેકાણે રેડ પાડીને તપાસ હાથ ધરવામાં આવતી હોય છે. એવામાં હવે અમદાવાદના પ્રહલાદનગર રોડ પર સ્થિત મેકડોનલ્ડ્સને સીલ મારવાનો વારો આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMCના ફૂડ હેલ્થ વિભાગે ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપોની પુષ્ટિ થતાં આઉટલેટને સીલ કરવાનો નિર્ણય લેવાયો. આ ઘટનાએ ખાસ કરીને શાકાહારી ગ્રાહકોમાં રોષ ફેલાવ્યો છે, કારણ કે સમગ્ર ગુજરાતમાં શાકાહારી ખોરાકની સુરક્ષા અને શુદ્ધતા પર ભાર મૂકવામાં આવે છે.ગ્રાહકની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં જણાવાયું હતું કે નોન-વેજ કિચનમાં બનતી વસ્તુઓ વેજ કિચન વિભાગમાં વપરાતી હતી.
AMC અધિકારી મુજબ, ફૂડ સેફ્ટી નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ સંસ્થા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ આઉટલેટ સીલ રહેશે અને આગળની તપાસ પૂર્ણ થયા બાદ જરૂરી પગલાં લેવામાં આવશે. આ ઘટનાએ ફૂડ આઉટલેટ્સમાં હાઈજીન અને નિયમોનું પાલન કરવાની મહત્ત્વતા ફરી એકવાર રજૂ કરી છે.