અમદાવાદ: સામાન્ય રીતે શિક્ષકનું કામ સંસ્કારોનું સિંચન કરીને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની રાહ બતાવવાનું હોય છે. પરંતુ વર્તમાન સમયમાં કેટલાક લંપટ શિક્ષકો વિદ્યાર્થીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાના બદલે જીવન બરબાદ કરી નાખતી હરકતો કરતા હોય છે. શહેરના જમાલપુર વિસ્તારમાં પણ આવો જ એક બનાવ બન્યો છે. જમાલપુરમાં આવેલ એક શાળામાં સંગીતના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકે 13 વર્ષીય વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા છે. જે અંગેની જાણ વિદ્યાર્થિનીએ તેના માતાને કરતા શિક્ષકની કાળી કરતૂતોનો પર્દાફાશ થયો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદની જમાલપુરમાં આવેલી AMCની સ્કૂલમાં 13 વર્ષની બાળકી અભ્યાસ કરે છે. બાળકી જ્યારે સ્કૂલમાં જતી હતી ત્યારે સંગીતનો શિક્ષક રણછોડ રબારી અવારનવાર બાળકીને રિસેસમાં બોલાવતો હતો. રિસેસમાં બાળકીને એકાંતમાં બોલાવીને હાથ પકડી ક્લાસરૂમમાં લઈ જતો હતો. રણછોડ રબારી બાળકીને ખોળામાં બેસાડીને શારીરિક અડપલા કરતો હતો.
બાળકી ઘરે જઈને સૂનમૂન બેસી રહેતા તેની માતાએ તેને પૂછ્યું હતું. ત્યારે બાળકીએ શિક્ષક રણછોડ રબારીની કરતૂત અંગે તેની માતાને જણાવ્યું હતું કે રણછોડ રબારી માત્ર તેની સાથે જ નહીં અન્ય બાળકીઓ સાથે પણ આ હરકત કરતો હતો. આ બાબતે કોઈને જાણ કરીશ તો મારી નાખીશ તેવી ધમકી પણ આપતો હતો. આ અંગે બાળકીની માતાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
અમદાવાદ સ્કૂલ બોર્ડના શાસનાધિકારી એલ. ડી દેસાઈએ જણાવ્યું હતું કે શિક્ષકની સામે થયેલી ફરિયાદ અંગે જાણ થઈ છે જે મામલે પોલીસ તપાસ કરી રહી છે. અમને બનાવની જાણ થતા શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.