અમદાવાદમાં શાળામાં નોકરીની સાથે ખાનગી ટ્યુશન કરાવતા ટ્યુશનિયા શિક્ષકો સામે અમદાવાદ શહેર DEOએ લાલ આંખ કરી છે. શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને ટ્યુશન કરતા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય DEOએ 11 ટ્યુશનિયા શિક્ષકોને ઘર ભેગા કર્યા છે. આમ અત્યાર સુધીમાં અમદાવાદ ગ્રામ્યના શિક્ષકોને ટ્યુશન કરવા બદલ છૂટા કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ફેડરેશન ઓફ એકેડેમિક એજ્યુકેશન દ્વારા થોડા દિવસ અગાઉ અમદાવાદની કેટલીક સ્કૂલોના શિક્ષકો દ્વારા ખાનગી કોચિંગ ક્લાસ ચલાવવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં શિક્ષકો વિદ્યાર્થીઓને દબાણ કરીને પોતાના ટ્યુશન ચલાવે છે તેમાં બોલાવતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એસોસિએશન દ્વારા સ્કૂલ અને શિક્ષકના નામ સાથેની DEO કચેરીએ ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ મળતા DEO કચેરી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
અમદાવાદ ગ્રામ્ય DEO કચેરી દ્વારા અલગ અલગ ટીમ બનાવીને તપાસ કરવામાં આવી રહી હતી. જે શિક્ષકો ટ્યુશન ક્લાસ ચલાવતા હતા તે સ્કૂલમાં જઈને પણ તપાસ કરવામાં આવી હતી. જેમાંથી કેટલીક સ્કૂલોને નોટિસ આપીને જાણ કરવામાં આવી હતી. DEOએ સ્કૂલને જાણ કરતા સ્કૂલના સંચાલકો દ્વારા તાત્કાલિક 11 જેટલા શિક્ષકોને છૂટા કરવામાં આવ્યા છે.કે આર રાવલ હાઇસ્કુલ, એસ એસ ડિવાઇન હાઇસ્કુલના શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તિરુપતિ સ્કૂલ, અંબિકા સ્કૂલ, મંગલદીપ સ્કૂલના શિક્ષકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આજના સમયમાં શિક્ષણ પડકારરૂપ છે, કારણ કે રાષ્ટ્રની સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક સ્વાસ્થયની જવાબદારી શિક્ષકની છે ત્યારે રાજ્યમાં અમક શિક્ષકો જે શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને ટ્યુશન કરતા શિક્ષકોનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં અમુક શિક્ષકો સરકારી શાળામાં ઓછું ધ્યાન આપીને પોતાના ટ્યુશનમા બોલાવીને સારુ જ્ઞાન આપ્યા હોવાના અનેક વિવાદિત ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે અમદાવાદમાં શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને ટ્યુશન કરતા શિક્ષકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.