અમદાવાદ : ગ્લો ગાર્ડન નિહાળવા માટે હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી લાંબું નહીં થવું પડે. અમદાવાદ રિવરફ્રન્ટ પર 4500 સ્કવેર મીટરમાં તૈયાર કરાયેલા ગ્લો ગાર્ડન (નાઈટ ફ્લાવર પાર્ક)નું આજે (19 જુલાઈ, 2025) મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગ્લો ગાર્ડનમાં મુકાયેલાં વિવિધ સ્કલ્પચર અહીં આવનારા પ્રવાસીઓને જંગલ સફારીનો અનુભવ કરાવશે. રાત પડતાં જ આ ગાર્ડન ઝળહળી ઊઠશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર પાર્ક ખાતે નાઈટ ફ્લાવર પાર્ક બનાવવામાં આવ્યો છે.આજે (19 જુલાઈ, 2025) મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. વિવિધ પ્રાણીઓના સ્કલ્પચર સાથે LED લાઈટથી આ ફ્લાવર પાર્ક સુશોભિત કરવામાં આવ્યો છે. હવે શહેરીજનોને નાઈટ ફ્લાવર પાર્ક એટલે કે ગ્લો ગાર્ડન જોવો હોય તો સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી ધક્કો ખાવો નહીં પડે.
રિવરફ્રન્ટ ગ્લો ગાર્ડનનો ફ્લાવર પાર્કમાં જ સમાવેશ કરવામાં આવેલ હોવાથી ફક્ત રિવરફ્રન્ટ ગ્લો ગાર્ડન કે ફકત ફ્લાવર પાર્કની અલગથી ટિકિટ મળશે નહી. વિકલાંગ વ્યક્તિઓ તેમજ 3 વર્ષ સુધીના બાળકો માટે નિઃશુલ્ક પ્રવેશ મળશે.નાઈટ ફ્લાવર પાર્કની ટિકિટ રાત્રે 10 વાગ્યા સુધી જ ઇસ્યુ કરવામાં આવશે. ટિકિટના દર નીચે મુજબ રહેશે.
ટિકિટના દરની વાત કરીએ તો, ફ્લાવર પાર્ક અને નાઈટ ફ્લાવર પાર્ક માટે પુખ્ત ઉંમરના રૂ.80, સિનિયર સિટીઝનના રૂ.60, 3 થી 12 વર્ષના બાળકો માટે રૂ.60 અને એજ્યુકેશનલ માટે રૂ.20 નક્કી કરાયા છે. જો અટલ બ્રિજ સાથે ફ્લાવર પાર્ક અને નાઈટ ફ્લાવર પાર્ક માટે પુખ્ત ઉંમરના રૂ.110, સિનિયર સિટીઝનના રૂ.80, 3 થી 12 વર્ષના બાળકો માટે રૂ.80 નક્કી કરાયા છે.
શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત અમદાવાદના પાલડી ટાગોર હોલ ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદને સ્વચ્છતામાં પ્રથમ નંબર લાવવા માટે અમૂલ્ય યોગદાન આપનાર AMCના તમામ ઝોનના સફાઈકર્મીઓ અને અધિકારીઓનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.