અમદાવાદ : શહેરમાં શનિવાર રાતથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં વહેલી સવારે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા એક કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. શહેરમાં સવારના 6 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં સરેરાશ બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 3.75 ઈંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ શહેરના વટવા વિસ્તારમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે રામોલ, મણિનગરમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે અમદાવાદ શહેરમાં શનિવાર મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. મોડી રાતથી વહેલી સવારે છ વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પૂર્વ વિસ્તારમાં વટવા, જશોદાનગર, મણિનગર, ત્રિકમપૂરા, સીટીએમ, હાટકેશ્વર, ખોખરા સહિતના વિસ્તારોમાં પાંચ ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. પૂર્વ વિસ્તારના જશોદાનગર, સીટીએમ, હાટકેશ્વર અને મણિનગર વિસ્તારના હાલ બેહાલની બની ગયા હતા. લોકોના ઘરો, દુકાનો અને હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
માત્ર પૂર્વ જ નહીં પરંતુ પશ્ચિમ વિસ્તારમાં પણ ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. જોધપુર, શ્યામલ, સેટેલાઈટ, પ્રહલાદનગર, આનંદનગર, નેહરુનગર, વાસણા, પાલડી, આશ્રમરોડ જમાલપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા શ્રીનંદન નગર અને સોનલ સિનેમા રોડ ઉપર પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા શ્રીનગર વિસ્તારમાં દર વર્ષે શ્રી નંદનગર સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મકાનો સુધી પાણી પહોંચી જતું હોય છે. જેના કારણે થઈને પણ લોકોને સામનો કરવો પડયો હતો.