અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એસ.જી હાઇવે પર રાહદારીઓની સલામતી માટે પાંચ નવા ફૂટ ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાત હાઇકોર્ટે હાઇવેની ખામીયુક્ત ડિઝાઇન અને રાહદારીઓની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી, જેના પગલે આ નિર્ણય કરવામાં આવ્યો છે. કોર્ટના આદેશને પગલે AMCએ આ યોજના હાથ ધરી, જેથી રાહદારીઓને સુરક્ષિત અવરજવરની સુવિધા મળી શકે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કરીને જણાવ્યું છે કે એસ.જી હાઇવે પર થલતેજ અંડરપાસ, પકવાન ફ્લાયઓવર અને વૈષ્ણોદેવી સર્કલ નજીક પાંચ નવા ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે. આ બ્રિજના નિર્માણ માટે હજુ ટેકનિકલ મંજૂરી મેળવવાની બાકી છે. આ પગલું એસ.જી હાઇવે પર વધતા ટ્રાફિક અને રાહદારીઓની સલામતીને ધ્યાનમાં રાખીને લેવાયું છે, જેથી અકસ્માતો ઘટે અને લોકોને સુરક્ષિત રીતે રસ્તો ક્રોસ કરવાની સુવિધા મળે.
ગુજરાત હાઇકોર્ટે એસ.જી હાઇવેની ડિઝાઇનમાં રહેલી ખામીઓ અને રાહદારીઓની સલામતીને લઈને AMCને ગંભીર સવાલો કર્યા હતા. જવાબમાં AMCએ કોર્ટમાં સોગંદનામું રજૂ કરીને જણાવ્યું કે હાઇવેની ડિઝાઇનમાં સુધારો કરવા અને રાહદારીઓની સુરક્ષા માટે ફૂટઓવર બ્રિજનું નિર્માણ જરૂરી છે.
આ ઉપરાંત, AMCએ કોર્ટને જાણકારી આપી કે શહેરમાં કેમ્પ હનુમાન અને શાહીબાગ વિસ્તારમાં બે ફૂટ ઓવરબ્રિજનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે અને તેનો રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.