અમદાવાદ : આજે (4 ઓગસ્ટે) પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર એટલે શિવભક્તો માટે એક અનોખી આસ્થાનો દિવસ. આજે વહેલી સવારથી જ અમદાવાદના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ‘બમ બમ ભોલે’ અને ‘હર હર મહાદેવ’ના નાદથી મંદિરોનું વાતાવરણ ભક્તિમય બની ગયું છે.
શહેરના નિર્ણયનગર વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ રામેશ્વર મહાદેવ મંદિરમાં આજે ભક્તોનો ખાસ ધસારો જોવા મળ્યો. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોનું કીડીયારું ઉભરાયું હતું. રામેશ્વર મહાદેવનો આજે વિશેષ શણગાર કરવામાં આવ્યો, જેમાં ફૂલોની માળા, ચંદન અને વિવિધ શણગારોથી શિવલિંગને સજાવવામાં આવ્યું. આ દિવ્ય શણગારે ભક્તોના મનમાં ભક્તિનો ઉમંગ વધાર્યો.
શ્રાવણ માસ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે, અને આ માસના સોમવાર શિવભક્તો માટે ખાસ મહત્વ ધરાવે છે. શિવભક્તો આ દિવસે વ્રત, ઉપવાસ અને શિવપૂજન કરીને મહાદેવની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. અમદાવાદના શિવ મંદિરોમાં આજે વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી, જેમાં યુવાનોથી લઈને વૃદ્ધો સુધીના ભક્તો સામેલ હતા.