અમદાવાદ : ભારતના મહાન વેદો તેમજ તમામ ભાષાઓની જનની એવી ‘સંસ્કૃત’ ભાષાને આજની યુવા પેઢી જાણે-સમજે અને જીવનમાં ઉતારે તેવા હેતુથી રાજ્યભરમાં આજથી તા. 6 થી 12 ઓગસ્ટ સુધી રાજ્ય સરકાર દ્વારા ‘સંસ્કૃત સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા અમલી નવી શિક્ષણ નીતિ 2020 મુજબ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું જ્ઞાન વિદ્યાર્થીઓમાં આવે તે માટે અભ્યાસક્રમમાં પણ સંસ્કૃત ભાષાને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે.
જેના ભાગરૂપે આજે નવા વાડજ વિસ્તારની ઉત્તમ શાળાઓ એલ કે એમ એચ હિન્દી હા. સે. સ્કૂલ અને ગણેશ કન્યા વિદ્યાલયમાંથી સંસ્કૃત ગૌરવ યાત્રા નિકાળવામાં આવી હતી, આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં વિદ્યાર્થીઓ અને સમગ્ર સ્ટાફે આજે શાળાની આસપાસના વિસ્તારોમાં સંસ્કૃત ભાષા વિશે જાગૃતિ ફેલાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો, નવા વાડજ વોર્ડના કોર્પોરેટર વિજયભાઈ પંચાલે આ સંસ્કૃત ગૌરવ યાત્રાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી.
આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં વિધાર્થીઓએ શાળાએ હસ્તલિખિત પોસ્ટરો, બેનરો અને સૂત્રોનો ઉપયોગ કરીને ઉત્સાહ સાથે જોડાયા હતા, આ કાર્યક્રમમાં ગુજરાતી અને હિન્દી માધ્યમની શાળાના તમામ સ્ટાફ, બિન-શિક્ષણ સ્ટાફ અને બન્ને શાળાના આચાર્યએ પણ ભાગ લીધો એવું શાળાના સૂત્રો જણાવી રહ્યા છે.