સુરત : દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે આવ્યા છે. સુરત અને તાપી જિલ્લામાં વિધાનસભાના ચૂંટણી દરમિયાન પોતાનું સંગઠન મજબૂત બને તેવા પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે તેમણે કેટલીક મોટી જાહેરાતો કરતા ગુજરાતમાં આપના પ્રચારનું રણશિંગુ ફૂંકી દીધું છે. અરવિંદ કેજરીવાલે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરતા કહ્યું હતું કે ગુજરાતમાં દરેક ઘરને દર મહિને 300 યુનિટ જેટલી મફત વીજળી આપવામાં આવશે. રાજ્યમાં સરકાર બનશે તો 3 મહિનામાં આ વચન પૂરું કરીશું.
કેજરીવાલે સંબોધનમાં જણાવ્યું કે, 300 યુનિટ વીજળી મફત મળશે, મળી શકે શું? જો દિલ્હીમાં મળી શકે, પંજાબમાં મળી શકે તો ગુજરાતમાં પણ મળી શકે છે. સરકાર બનવાના ત્રણ મહિનાની અંદર દરેક પરિવારને 300 યુનિટ વીજળી મફતમાં મળશે. બીજી ગેરન્ટી કે વીજળી 24 કલાક મળશે અને મફત પણ મળશે. પાવરકટ નહીં લાગે.અમે જે પણ ગેરંટી આપીએ છીએ તે પૂરી કરીએ છીએ. અમે કામ કર્યા અને અને વાયદા પૂરા કરવા એ અમારી દાનત છે. આમ આદમી પાર્ટીની સરકાર બનશે તેના ત્રણ મહિનામાં ગુજરાતના દરેખ ઘરમાં 300 યુનિટ ફ્રી વિજળી આપીશું.