અમદાવાદ: ટ્રાફિક, પાર્કિંગ અને રોંગ સાઈડ મુદ્દે કોર્ટમાં થયેલી સુનાવણીના પગલે કોર્ટે હુકમ કર્યો છે. કોર્ટે અગાઉ કરેલા હુકમનું અક્ષરસઃ પાલન કરવા સરકાર અને કોર્પોરેશનને આદેશ કરવામાં આવ્યો છે. કોર્ટના હુકમના તિરસ્કારની અરજીની સુનાવણી આવે ત્યારે જ પ્રશાસન જાગે તે યોગ્ય ન હોવાનું હાઈકોર્ટે નોંધ્યું હતું. હવેથી ટ્રાફિક કે રોંગ સાઈડ ડ્રાઇવિંગ સહિતના નિયમનો ભંગ થશે તો સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર જવાબદાર રહેશે. તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર સામે પણ કાર્યવાહી થશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજની સુનવણીમાં રોંગ સાઇડ ડ્રાઇવિંગ, રસ્તા પર ગેરકાયદેસર પાર્કિંગ અને ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવા કોર્ટે આદેશ કર્યો છે. અમદાવાદના અમુક રસ્તાઓ પર જ નહીં, તમામ રસ્તાઓ પર કાર્યવાહી કરવા કોર્ટે આદેશ કર્યો છે. હાઇકોર્ટે કહ્યું કે 70 હુકમ બાદ પણ પ્રશાસન નીંભરતા દેખાડે એ ચલાવી લેવાશે નહીં.હાઇકોર્ટે કહ્યું કે, શહેર અને રાજ્યના કલ્યાણ માટે જરૂરી પગલાં લેવા તે પ્રશાસનની જવાબદારી છે.
બિસમાર રોડ રસ્તા, રખડતા ઢોર અને ટ્રાફિક મુદ્દે થયેલી સુનવણીમાં આજે મહત્ત્વનો હુકમ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. આ સુનવણી દરમિયાન ખાસ હુકમ એ કરવામાં આવ્યો છે કે, હવે પછી ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતાં લોકો જણાશે તો તેના માટે જવાબદાર સ્થાનિક પોલીસ ઈન્સ્પેક્ટર રહેશે. જે તે ટ્રાફિક વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનો સખત આદેશ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.