અમદાવાદ : અમદાવાદ શહેરમાં એકતરફ નવા ફલેટના બુકિંગ મળતું નથી, બીજી તરફ શહેરના નારણપુરા વિસ્તારમાં અનેક નાની મોટી ખાનગી અને હાઉસિંગની સોસાયટીઓમાં રિડેવલપમેન્ટ માટે બિલ્ડર્સમાં તીવ્ર સ્પર્ધા જાેવા મળી રહી છે, અને તેમાં પણ ખાસ કરીને 132 ફુટ રીંગ રોડ અને અંકુર વિસ્તાર જેવા પ્રાઈમ વિસ્તારોમાં આવેલી સોસાયટીઓ માટે તો આ સ્પર્ધા વધારે તીવ્ર બની રહી છે. બિલ્ડરો પોતાના ખર્ચે સોસાયટીના સભ્યો સાથે મીટિંગ યોજે છે. આવી જ એક મીટિંગ તાજેતરમાં યોજાવાની છે જેમાં સોસાયટીના સભ્યોને આકર્ષવા માટે ત્રણ બિલ્ડર્સ પોતાની ઓફર્સ રજૂ કરવાના હોવાનું ચર્ચા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, હાલમાં અમદાવાદ શહેરમાં અન્ય વિસ્તારોની સરખામણીમાં રિડેવલપમેન્ટનો ક્રેઝ એક અલગ જ લેવલે પહોંચી ગયો છે, નારણપુરામાં હાઉસિંગ બોર્ડના અનેક ફલેટોમાં રિડેવલપમેન્ટ અન્ય વિસ્તારોની સરખાણી કરતા વધુ તેજીથી ચાલી રહ્યું છે, તેવી જ રીતે પ્રાઈવેટ સોસાયટીઓમાં રિડેવલપમેન્ટના અનેક પ્રોજેકટ ચાલી રહ્યાં છે, જયારે અનેક સોસાયટીઓના રિડેવલપેન્ટના પ્રોજેકટ અંતિમ તબક્કામાં હોવાનું જાણવા મળ્યું છે.
હાઉસિંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશનના સભ્ય સંદિપ ત્રિવેદીના જણાવ્યા મુજબ, નારણપુરામાં હાઉસિંગ બોર્ડની સોસાયટી મોટી સંખ્યામાં હોવાને કારણે રિડેવલપમેન્ટ માટે બિલ્ડર્સમાં તીવ્ર સ્પર્ધા જાેવા મળી રહી છે, અને તેમાં પણ ખાસ કરીને 132 ફુટ રીંગ રોડ પર આવેલ સોસાયટીઓ રિડેવલપેન્ટમાં જાેડાઈ રહી છે, સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ફક્ત નારણપુરામાં હાઉસિંગ બોર્ડની 8 થી વધુ સોસાયટીઓમાં કન્સ્ટ્રકશન લેવલે, 5 થી વધુ ડીમોલીશન લેવલે, જયારે ટેન્ડર થઈ ગયા હોય તેવી 15 થી 20 વધુ સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે.
URHSWA (અર્બન રિડેવલપમેન્ટ હાઉસિંગ સોસાયટી વેલફેર એસોસિયેશન)ના સ્થાપક જિતેન્દ્ર શાહે જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાં હાલમાં પ્રાઈવેટ સોસાયટીઓમાં 150 થી વધુ રિડેવલેપમેન્ટ પ્રોજેકટ ચાલી રહ્યા છે ત્યારે નારણપુરામાં 8 થી 10 પુરા થવાના આરે છે, જયારે વધુ 10 થી વધુ પ્રોજેકટ પાઈપલાઈનમાં હોવાનું જણાવે છે. જયારે 25 થી વધુ સોસાયટીઓમાં રિડેવલપમેન્ટ અંગે ચર્ચા વિચારણા ચાલી રહી છે.
અનુભવી રિડેવલપમેન્ટ એક્સપર્ટ સોહમ ભાવસાર જણાવે છે કેે, અમદાવાદ શહેરમાં છેવાડાના વિસ્તારમાં જમીનોના ભાવ આસમાને પહોંચેલા છે જેને લીધે બિલ્ડર્સ રિડેવલપમેન્ટનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે. એક વખત બિલ્ડર સોસાયટીઓના સભ્યોને સમજાવવામાં સફળ રહે ત્યારબાદ તેની પાસે જમીનનો કંટ્રોલ આવી જાય છે અને તેમને હાઈ FSI સાથે મહત્વનો ફ્રી સેલ એરિયા પણ મળી જાય છે. એટલે બિલ્ડર્સ રિડેવલપમેન્ટનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે.
બિલ્ડર્સ નારણપુરા ઉપરાંત નવરંગપુરા, આંબાવાડી, થલતેજ, વાડજ, ગુરુકુળ, મેમનગર અને વાસણા જેવા મહત્વના વિસ્તારોમાં આગામી રિડેવલપમેન્ટના પ્રોજેક્ટ્સ બિલ્ડર્સ 3 BHK એપાર્ટમેન્ટના બાંધકામને પ્રાથમિકતા આપતા જાેઈ રહ્યા છે. આ એકમોની કિંમત રૂ. 90 લાખથી રૂ. 1.5 કરોડની સુધી હોવાની ચર્ચા છે.