અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પેઇંગ ગેસ્ટ (PG) સંચાલનને લઈને મહત્વપૂર્ણ અને SOP જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં પેઇંગ ગેસ્ટ (PG) માટે પોલીસ વેરિફિકેશન અને સોસાયટીનું NOC હોવું ફરજિયાત છે. જો આ NOC નહી હોય તો નોટિસ આપવામાં આવશે. અમદાવાદ શહેરમાં 385 જેટલા PGને નોટિસ આપવામાં આવી છે. નોટિસ મળ્યાના 15 થી 21 દિવસમાં પુરાવા રજૂ કરવા પડશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં રહેણાંક બિલ્ડિંગોમાં પેંઇંગ ગેસ્ટ(PG) ચાલતા હોવાનું સામે આવ્યું છે. જેથી દરેક ઝોનમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં શહેરમાં કુલ 401 જેટલા PG ચલાવવામાં આવી રહ્યા હોવાની વિગતો સામે આવી છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગાઈડલાઈન આપવામાં આવી છે. PG ચલાવવા માટે સોસાયટી- ફ્લેટની NOC અને પોલીસ વેરિફિકેશન લેવાનું હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા નિયમોનું પાલન ન કરનાર 385 જેટલા PGને નોટિસ આપવામાં આવી છે.
સોસાયટીની NOC ફરજિયાત
હવેથી કોઈપણ PG આવાસ સોસાયટીના ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ (NOC) વિના ચલાવી શકાશે નહીં. આ જોગવાઈ PG ના કારણે થતી સમસ્યાઓ સામે સોસાયટીઓને સત્તાવાર અધિકાર આપશે.
ફાયર સેફ્ટી-પોલીસ અને એસ્ટેટ વિભાગની મંજૂરી ફરજિયાત
PG ચલાવવા માટે AMC દ્વારા ફાયર સેફ્ટી, પોલીસ અને એસ્ટેટ વિભાગની મંજૂરીઓ ફરજિયાત કરવામાં આવી છે. આનાથી PGમાં રહેતા વિદ્યાર્થીઓ કે નોકરિયાતોની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત થશે.
પાર્કિંગની માથાકૂટ દૂર થશે
હોસ્ટેલની વ્યાખ્યામાં સમાવેશ થતાં હવે PG સંચાલકોએ 20 ટકા પાર્કિંગની જોગવાઈનું પાલન કરવું પડશે. આનાથી પાર્કિંગની સમસ્યા હળવી થશે.
હોમ સ્ટે માટે ટુરીઝમ વિભાગની મંજૂરી
જો કોઈ જગ્યાનો હોમ સ્ટે તરીકે ઉપયોગ કરવો હોય, તો તેના માટે ટુરીઝમ વિભાગ પાસેથી પણ મંજૂરીઓ લેવી ફરજિયાત રહેશે.
નિયમો અને જોગવાઇઓ સ્પષ્ટ થશે
PGને હવે હોસ્ટેલ, લોજિંગ અને બોર્ડિંગની વ્યાખ્યામાં સમાવવામાં આવ્યા છે. આનાથી તેમના પર લાગુ પડતા નિયમો અને કાયદાકીય જોગવાઈઓ સ્પષ્ટ થશે.
30 દિવસમાં અરજી
PG સંચાલકોએ આ નવા નિયમો લાગુ થયાના 30 દિવસની અંદર મહાનગરપાલિકા સમક્ષ અરજી કરીને જરૂરી મંજૂરીઓ મેળવવાની રહેશે.
GDCRના નિયમોનું પાલન
PG સંચાલકોએ હોસ્ટેલને લગતા જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (GDCR)ના નિયમોનું પણ કડક પાલન કરવું પડશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર પીજી કે હોસ્ટેલોને AMC દ્વારા સીલ કરવામાં આવશે અથવા બંધ કરાવવામાં આવશે
આ નવી નીતિ PGના સંચાલનમાં પારદર્શિતા લાવશે અને સોસાયટીના રહીશોને લાંબા સમયથી સતાવી રહેલી સમસ્યાઓમાંથી મુક્તિ આપશે. AMCનો આ નિર્ણય શહેરની અનેક સોસાયટીઓ માટે મહત્ત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે.