અમદાવાદ : અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં હાલમાં મંદી ચાલી રહી છે, કમરતોડ મોંઘવારી તથા મકાનોના ઊંચા ભાવના કારણે ખાસ કરીને મધ્યમવર્ગ માટે ઘર ખરીદવું અત્યંત મુશ્કેલ બની ગયું છે, જેને લીધે બિલ્ડર્સ નવા રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ શરૂ કરવાનું ટાળી રહ્યા છે અથવા તો તેની ગતિ ધીમી પાડી દીધી છે. જાેકે, બીજી તરફ થોડા સમયથી ધીમા પડેલા રિડેવલપમેન્ટમાં ભારે તેજી જાેવા મળી રહી છે. એમાંય ખાસ કરીને હાઉસિંગ બોર્ડની કોલોનીઓમાં રિડેવલપમેન્ટની કામગીરીમાં નોંધપાત્ર તેજી જાેવા મળી રહી છે.છેલ્લાં બે વર્ષના ગાળામાં હાઉસિંગ બોર્ડે 60 થી વધુ પ્રોજેકટ મંજુર કર્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
હાઉસિંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશનના સક્રિય સભ્ય સંદિપ ત્રિવેદીના જણાવ્યા મુજબ, હાઉસિંગ કોલોનીઓના રિડેવલપમેન્ટ માટે સોસાયટીના 75 ટકા સભ્યોની સહમતી જરૂરી હોય છે, પરંતુ ઘણા કિસ્સાઓમાં આ શરત પૂરી થતી હોવા છતાં જુજ સભ્યો કોર્ટમાં જતાં હોય છે અને તેના કારણે રિડવલપમેન્ટનું કામ ખોરંભે ચડી જતું હોય છે. જાેકે, તાજેતરમાં કોર્ટના ચુકાદાઓના કારણે રિડેવલપમેન્ટની પ્રક્રિયા સરળ બનાવવામાં મદદ મળી છે. 75 ટકા સભ્યો સહમત હોય તેમ છતાં રિડેવલપમેન્ટ સામે વાંધો ઉઠાવીને કોર્ટમાં જનારા મોટા ભાગના લોકોને નિરાશા જ મળી છે અને ધીમે ધીમે કાનૂની અવરોધો ઓછા થઈ રહ્યા છે.અગાઉ રિડેવલપમેન્ટ સામે વાંધો ઉઠાવવાની સંખ્યા પણ ઘણી વધારે હતી, પરંતુ તાજેતરમાં કોર્ટના ચુકાદા રિડેવલપમેન્ટ સોદાઓની તરફેણમાં આવ્યા છે, તેથી જાે સોસાયટીના 75 ટકા સભ્યો સહમત છે તો હવે વધારે વાંધો આવતો નથી. આ ઉપરાંત લોકો સમક્ષ રિડેવલપમેન્ટના સફળ ઉદાહરણો પણ આવ્યા છે અને તેથી જ લોકો પણ રિડેવલપમેન્ટ મોડલને પસંદ કરી રહ્યા છે, તેમ તેમણે જણાવ્યું હતું.
હાઉસિંગ બોર્ડની મોટાભાગની સોસાયટીઓ(કોલોનીઓ) 35 વર્ષ કે તેથી વધુ જુની થઈ છે, જેમાં મોટાભાગની કોલોનીઓ ખસ્તા હાલતમાં હોવાને કારણે લોકો રિડેવલપમેન્ટનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે. હાઉસિંગ બોર્ડના સુત્રો પાસેથી મળતી જાણકારી મુજબ, મંજુર પ્રોજેક્ટ પૈકી 30 પ્રોજેકટમાં લાભાર્થીઓ સાથે નકશા મંજુરી અને ટ્રાઈ પાર્ટી એગ્રેમેન્ટની બાબતો વાટાઘાટો હેઠળ છે.હાલમાં નવા કુલ 126 કોલોનીઓના 65 જેટલા પ્રોજેકટ આયોજન હેઠળ અને ટેન્ડર સ્ટેજ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં 10 કોલોનીના 09 ટેન્ડર પ્રસિદ્ધ થઈ કાર્યવાહી હેઠળે છે.જયારે અન્ય 56 પ્રોજેકટની કામગીરી વિવિધ તબક્કે કાર્યવાહી હેઠળ છે.