અમદાવાદ : જગદીશભાઇ ઇશ્વરભાઇ પંચાલ (વિશ્વકર્મા) ગુજરાતમાં પાર્ટીના નવા અધ્યક્ષ બનશે. તેમણે વિજયમુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભર્યું હતું. અન્ય કોઈ ઉમેદવારે ઉમેદવારી કરી નહીં હોવાથી તેમની બિનહરિફ પસંદગી થઈ હતી.અમદાવાદની નિકોલ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અને વર્તમાન મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ કમલમમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પક્ષ તરફથી અન્ય કોઈએ ઉમેદવારી ન નોંધાવી હોવાથી જગદીશ વિશ્વકર્માની બિનહરિફ જીત થઈ છે.
અમદાવાદના નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા ઓબીસી સમુદાયના છે. આ સાથે જ ગુજરાત ભાજપને 19 વર્ષ બાદ ઓબીસી પ્રદેશ પ્રમુખ મળશે. કેન્દ્રીય હાઇકમાન્ડ દ્વારા નિયુક્ત નિરીક્ષકો ભૂપેન્દ્ર યાદવ અને કે. લક્ષ્મણ આવતીકાલે 4 ઓક્ટોબરના શનિવારના રોજ જગદીશ વિશ્વકર્માનાં નામની ઔપચારિક જાહેરાત કરશે. અત્યાર સુધી, ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની જવાબદારી સીઆર પાટીલ પાસે હતી. હવે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ બાદ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના બન્યા છે.
4 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના પરિણામની જાહેરાત તેમજ પદગ્રહણ સમારોહ કમલમ ખાતે યોજાશે. આ પહેલાં તેઓ ઠક્કરબાપાનગર ખાતે આવેલી વિક્રમ પાર્ક સોસાયટી ખાતેના તેમના નિવાસસ્થાનેથી સવારે 8:30 વાગ્યે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે તેઓ ગાંધીનગર જવા નીકળશે. અમદાવાદના તમામ ધારાસભ્યો, સાંસદો અને નિકોલ વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે તેઓ ગાંધીનગર જશે. ગાંધીનગરના ભાટ નજીકથી અમદાવાદ શહેરના કાર્યકર્તાઓ તેમની સાથે રેલીમાં જોડાશે.
જગદીશ પંચાલ ટેક્સટાઈલ મશીનરીના વેપાર સાથે સંકળાયેલા છે. તેમનો જન્મ 12 ઓગસ્ટ 1973ના રોજ અમદાવાદમાં જ થયો હતો. બી.એ. અને માર્કેટિંગમાં તેમણે એમ.બી.એ. સુધીનો અભ્યાસ કર્યો છે. જગદીશ પંચાલના પદગ્રહણ સમારોહમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઈન્ચાર્જ કે.લક્ષ્મણ, ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર ઉપસ્થિત રહેશે.
આગામી વર્ષે હવે ગુજરાતમાં સ્થાનિક એકમોની ચૂંટણી યોજાવાની છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના છે. અને ભાજપ પણ ઓબીસી મતોને ટારગેટ કરવા માગે છે એટલે ઓબીસી સમુદાય પર પ્રભુત્વ મેળવવા ભાજપ ઓબીસી નેતાને પ્રમુખ પદે તક આપવા માગે છે તેવું દેખાય છે. બીજી બાજુ કોંગ્રેસે પહેલાથી ઓબીસી નેતા અમિત ચાવડાને અધ્યક્ષ પદ સોંપ્યું છે.