અમદાવાદ : આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરને રોશનીથી શણગારવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ બ્રિજ, સર્કલો, સ્કલ્પચર, હેરિટેજ બિલ્ડીંગો અને દરવાજાઓ પર લાઇટિંગ કરવામાં આવશે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવાર દરમિયાન શહેરને દુલ્હનની જેમ સજાવવામાં આવશે જેના માટે વિવિધ જગ્યાએ લાઇટિંગ કરવામાં આવનાર છે. સાબરમતી નદી પર આવેલા બ્રિજો, 45 ઓવરબ્રિજ અને અંડરબ્રિજો, 46 સર્કલો વગેરે જગ્યાને શણગારવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં આવેલા 50થી વધુ ફુવારા પણ ચાલુ કરવામાં આવશે.રૂ.3 કરોડની ખર્ચની મર્યાદામાં અમદાવાદ શહેરમાં લાઇટિંગ કરવામાં આવનાર છે.
ગત વર્ષની જેમ આગામી નવેમ્બર મહિનામાં અમદાવાદ શહેરમાં ફૂડ ફેસ્ટિવલ, બૂકફેર અને સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. સૌપ્રથમ વખત કોઈ મહાનગરપાલિકા દ્વારા સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ યોજવામાં આવશે. યુવાનોને પ્રોત્સાહન મળે તેના માટે આ પ્રકારના ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
ગત વર્ષે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું તે જ પ્રકારે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર પણ નવેમ્બર મહિનાના પ્રથમ અથવા બીજા અઠવાડિયામાં ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. લોકોમાં વાંચનની રુચિ વધે અને પુસ્તકો અંગે માહિતી મળી રહે તેના માટે બુક ફેરનું પણ આયોજન કરવામાં આવશે.