અમદાવાદ : અમદાવાદના કાલુપુર રેલવે ઓવરબ્રિજ પાસેથી એક દુર્ઘટના સામે આવી છે, જ્યાં વર્ષો જૂની અને જર્જરીત દુકાનો ધરાશાયી થઈ ગઈ છે. ફાયરબ્રિગેડને જાણ થતાં ઘટનાસ્થળે બે ગાડીઓ પહોંચી ગઈ છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અંદાજીત 7થી 8 જેટલી જૂની જર્જરીત દુકાનો ધરાશાયી થઈ છે.પોલીસ અને ફાયર સેક્ટરની ટીમો હવેથી કામગીરીમાં વ્યસ્ત છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કાલુપુર રેલવે ઓવરબ્રિજ ઉપર વર્ષો જૂની દુકાનો આવેલી હતી. એક રૂમ જેટલી નાનકડી અંદાજિત 15 દુકાનો આવેલી છે. જે વર્ષોથી ખૂબ જ જર્જરીત હાલતમાં છે. આ દુકાનોમાં પ્લાસ્ટિક અને ઘરવખરીના સામાન અંગેની ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હતું. આજે સાંજના સમયે અચાનક જ દુકાનો સ્લેબ સાથે પડી હતી.
કાલુપુર રેલવે ઓવરબ્રિજના કાલુપુર તરફના છેડા ઉપર શરૂઆતમાં આવેલી અંદાજિત સાતેક જેટલી દુકાનો પડી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. બ્રિજ પર આવેલી દુકાનોની પાછળના ભાગે કાલુપુર રેલવે સ્ટેશન અને બુલેટ ટ્રેનની કામગીરી માટેનો RMC પ્લાન્ટ ચાલી રહ્યો છે અને તેના માટેની ત્યાં કામગીરી ચાલી રહી છે જેથી ત્યાં કામગીરીના પગલે પણ વાઇબ્રેશન થતા આ દુકાનો પડી હોવાનું સ્થાનિક સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
દુર્ઘટનાના તુરંત પછી સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક નિયંત્રણ શરૂ કર્યું છે. પીક અવર્સમાં આ ઘટના બનવાને કારણે ઓવરબ્રિજ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો છે. લોકોને અત્યારે વિસ્તૃત માર્ગ વિકલ્પ અપનાવવાની સલાહ આપવામાં આવી છે.