અમદાવાદ : અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ ઉપરથી ટ્રાફિક પોલીસ લાંચ લેતા ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે, શહેરમાં ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કૉન્સ્ટેબલે અસલાલી સર્કલ નજીક દિવાળી બૉનસ અને એક હજાર રૂપિયાની લાંચ માંગી હતી, જેની ફરિયાદ થતાં કૉન્સ્ટેબલને સસ્પેન્ડ થવાનો વારો આવ્યો છે.જે તે સમયે 1000 રૂપિયા માંગવામાં આવ્યા હતાં, જે આપી દેવામાં આવ્યા હતાં. પરંતુ દિવાળી આવતાની સાથે જ બોનસના નામે પૈસાની માંગણી કરતા ACBએ છટકું ગોઠવી કોન્સ્ટેબલને ઝડપી લીધો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરમાં અસલાલી સર્કલ નજીક ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા એક કૉન્સ્ટેબલને ACBએ લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યો છે. માહિતી પ્રમાણે, અસલાલી સર્કલ નજીક કિશોર મકવાણા નામના ટ્રાફિક પોલીસ કૉન્સ્ટેબલે ટ્રાન્સપોર્ટ વેપાર સાથે સંકળાયેલા ફરિયાદ પાસે એક હજાર રૂપિયાની લાંચ માંગી હતી. વેપારીએ ACBમાં ફરિયાદ નોંધવતા જ ACBએ અસલાલી સર્કલથી કમોડ તરફ આવવાની રૉડ પરથી કૉન્સ્ટેબલને એક હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. હાલમાં ACBએ કિશોર મકવાણાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રાફિક કોન્સ્ટેબલ કિશોર મકવાણાએ પૈસા લીધા બાદ તેઓની પાસે દિવાળી બોનસ પેટે પણ પૈસાની માંગણી કરી હતી. જોકે જે તે સમયે વેપારીએ તેમને એક- બે દિવસમાં આપી દેવાની વાત કરી હતી. વેપારી ટ્રાફિક કોન્સ્ટેબલની ધમકી અને પૈસા માંગણીથી કંટાળીને દિવાળી બોનસના પૈસા આપવા ન માંગતા હોવાના કારણે ACBની ટીમને જાણ કરી હતી. જેથી ACBની ટીમ દ્વારા અસલાલી સર્કલ ખાતે છટકું ગોઠવી અને દિવાળી બોનસ પેટે રૂ 1000ની લાંચ લેવા જતા ટ્રાફિક કોન્સ્ટેબલ કિશોર મકવાણાને રંગે હાથ ઝડપી લીધો હતો.