અમદાવાદ : સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ પર એક વકીલે જૂતું ફેકવાની ઘટના બાદ હવે અમદાવાદ સેશન્સ કોર્ટમાં પણ જજ પર જૂતું ફેકવાની શરમજનક ઘટના બની છે. ન્યાયતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ ઘટનામાં આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના એડિશનલ પ્રિન્સિપલ જજ એમ. પી. પુરોહિતની કોર્ટમાં એક કેસની સુનાવણી ચાલી રહી હતી. આ દરમિયાન, કેસના એક ફરિયાદીએ અચાનક ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો અને પોતાનો કાબૂ ગુમાવી જજ તરફ ચપ્પલ ફેંક્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફરિયાદીની અપીલ કાઢી નાખવામાં આવી હોવાથી તેણે આ હરકત કરી હતી. ચપ્પલ ફેંકતા પહેલા ફરિયાદીની જજ સાથે બોલાચાલી પણ થઈ હોવાનું કહેવાય છે. પોલીસે જૂતું ફેકનાર આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અગાઉ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા બીઆર ગવઈ પર શરમજનક હુમલો થયો હતો. સુપ્રીમ કોર્ટમાં એક સુનાવણી દરમિયાન CJI પર એક વકીલે જૂતું ફેકવાનો પ્રયાસ કર્યો હતો. જૂતું ફેંકનારો શખ્સ 60 વર્ષીય વકીલ હતો જેનું નામ રાકેશ કિશોર છે. પોલીસે વકીલની અટકાયત કરી હતી. આ મામલે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બી.આર.ગવઇએ નિવેદન આપ્યું હતું કે, મને આ પ્રકારના કૃત્યોથી કોઇ ફરક પડતો નથી.