અમદાવાદ : રાજ્યમાં ટૂંક સમયમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. અમદાવાદમાં મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ભાજપે તૈયારીઓ શરૂ કરી છે. લાભ પાંચમથી ભાજપ ચૂંટણી મોડમાં આવશે. વોર્ડ મુજબ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવશે. મહત્ત્વપૂર્ણ છે કે આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઇ શકે છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. લાભ પાંચમથી ભાજપ ચૂંટણી મોડમાં આવશે. અમદાવાદમાં ભાજપ દ્વારા લાભ પાંચમથી (26 ઓક્ટોબર)થી 10 નવેમ્બર દરમિયાન વોર્ડ વાઇઝ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે.દરેક વોર્ડ સમ્મેલનમાં સ્થાનિક સંગઠન અને પ્રદેશ સંગઠનના હોદ્દેદારો હાજર રહેશે. ચૂંટણી પહેલાં કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધારવા ભાજપ વોર્ડ મુજબ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા યોજવામાં આવે છે. આ ચૂંટણીઓમાં રાજ્યના ગ્રામ્ય અને શહેરી સ્તરના વહીવટ માટેના પ્રતિનિધિઓની પસંદગી કરવામાં આવે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સામાન્ય રીતે પાંચ વર્ષના ગાળે યોજાય છે. ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ચોક્કસ તારીખો, મતદાનની તારીખ અને પરિણામની તારીખ જાહેર કરવામાં આવે છે. સમયાંતરે, વિવિધ સંસ્થાઓમાં ખાલી પડેલી બેઠકો પર પેટા-ચૂંટણીઓ પણ યોજાતી હોય છે.


