અમદાવાદ : રાજ્યના હવામાન વિભાગ દ્વારા દિવાળી બાદ રાજ્યમાં માવઠાની આગાહી કરી હતી, ગઇકાલથી જ રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદનો આરંભ થઈ ગયો હતો.મોડી રાતથી જ અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસવા લાગ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોડી રાતથી જ અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસવા લાગ્યો છે. કમોસમી વરસાદના કારણે ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. બોપલ, ચાંદખેડા, નવા વાડજ, રાણીપ, નારણપુરા, એસજી હાઇવે, ગોતા, સિંધુભવન રોડ, ઇસ્કોન, નરોડા, નારોલ, મણિનગર જેવા વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જો કે, કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે.
આજે ગુજરાતનાં મોટા ભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. કચ્છની સાથે સૌરાષ્ટ્રના તમામ જિલ્લા, ઉત્તર ગુજરાતનાં તમામ જિલ્લા તથા ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, ખેડામાં વરસાદનું ઍલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલે 28 ઓક્ટોબરે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.


