અમદાવાદ : શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઇસ્કોન ચાર રસ્તા નજીક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના દબાણ હટાવ વિભાગની કામગીરી દરમિયાન તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ગેરકાયદેસર દબાણ હટાવવા માટે પહોંચેલા AMC ના કર્મચારીઓ અને દબાણકર્તા જૂથ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું, જેના પરિણામે ત્રણ મજૂરોને ઈજા પહોંચી હતી. આ મામલે ત્રણ લારી ગલ્લા વાળાની ધરપકડ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, AMC નું દબાણ હટાવ વિભાગ નિયમિત કામગીરીના ભાગરૂપે ઇસ્કોન ચાર રસ્તાની આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે ગયું હતું. આ દરમિયાન, દબાણકર્તાઓએ સત્તાવાળાઓનો વિરોધ કર્યો અને મામલો જોતજોતામાં ઉગ્ર બની ગયો. વિરોધે આક્રમક વળાંક લીધો અને દબાણ હટાવવાની કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ અને મજૂરો પર હુમલો કરવામાં આવ્યો હતો.
આ ઘર્ષણ દરમિયાન, દબાણ વિભાગના એક મજૂરને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે અન્ય બે મજૂરોને સામાન્ય ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત મજૂરોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યાર બાદ ત્રણેયને પોલીસ સ્ટેશન ખાતે લાવીને પૂછપરછ કરતા પ્રેમસિંગ કુંભસિંગ યાદવ, જયસિંહ કુંભસિંગ યાદવ અને ચરણસિંગ કુંભસિંગ યાદવ (રહે. જય અંબે હોટલની પાછળ મનુભાઈ પટેલના મકાનમાં સેટેલાઈટ) હોવાનું જાણવા મળ્યું હતું.આ બાબતે સેટેલાઈટ પોલીસે ગુનો નોંધી ત્રણેય ની ધરપકડ કરી છે.


