અમદાવાદ : અમદાવાદ શહેરનાં વિસ્તરણ અને વિકાસને પગલે તમામ જાહેર માર્ગો ઉપર દબાણો તેમજ ટ્રાફિકજામની ગંભીર સમસ્યા સર્જાઇ છે, તેમાંય અનેક કોમર્શિયલ કોમ્પ્લેક્સ, સંસ્થાઓ તેમજ મોલ વગેરે જગ્યાઓએ મુલાકાતીઓને વાહન પાર્ક કરવા દેવાતા નથી તેના કારણે લોકો રોડ ઉપર વાહન પાર્ક કરતાં હોવાનુ જણાયા બાદ મ્યુનિ.સત્તાધીશોએ જે કોઇ કોમર્શિયલ કોમ્પ્લેકસ કે સંસ્થા મુલાકાતીઓને વાહન પાર્ક નહિ કરવા દે તેની સામે દંડનીય પગલાં લેવાની નિતી ઘડીને તેનો અમલ કરશે.શહેરવાસીઓને ટ્રાફિક અને પાર્કિંગની અસુવિધામાંથી કાયમી રાહત મળે તે હેતુસર કોર્પોરેશને કડક અને અસરકારક પગલાં લેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરનાં તમામ વિસ્તારોનાં જાહેર માર્ગો ઉપર આવેલાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ, મિક્સ ડેવલપમેન્ટ, વિવિધ સંસ્થાઓ, મોલ વગેરે જગ્યાએ મુલાકાતીઓ માટે પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી, તેના કારણે લોકો રોડ અને ફૂટપાથ ઉપર વાહન પાર્ક કરી પોતાનાં કામકાજ પતાવવા જતાં હોવાનુ એસ્ટેટ ખાતાનાં સર્વેમાં પણ પૂરવાર થયુ છે. રોડ અને ફૂટપાથ ઉપર વાહન પાર્કિંગ થવાનાં કારણે રોડ ઉપર ટ્રાફિકને અડચણ થાય છે તેમજ ફૂટપાથ ઉપર વાહન પાર્કિંગનાં કારણે રાહદારીઓને અડચણ થાય છે. આ બન્ને બાબતને ગંભીરતાથી લઇ મ્યુનિ. સત્તાધીશોએ જે કોઇ કોમ્પ્લેક્સમાં મુલાકાતીઓને વાહન પાર્કિંગ નહિ કરવા દેવાય તેની સામે પગલાં લેવાનો નિર્ણય લીધો છે.તેમનો ઉપયોગ જાહેર જનતા કરી શકે તે હેતુથી રેવન્યુ શેરીંગ દ્વારા પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવા સંમત થાય તે માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા બંને એજન્સીઓને સિંધુભવન રોડ, રાજપથ રંગોલી રોડ અને બોપલ આંબલી રોડને ઝીરો ટોલરન્સ રોડ જાહેર કરી, આ રોડ પર પાર્કિંગ ન થાય તે માટે અમલીકરણનાં ભાગરૂપે વાહનચાલકો ઉપલબ્ધ મલ્ટીલેવલ કાર પાર્કિંગ કે કોર્પોરેશન દ્વારા સૂચિત કરેલી પાર્કિંગની જગ્યા પર પાર્ક કરે તેના માટે લોકો સુધી માહિતી પહોંચાડવાની વ્યવસ્થા કરવાની પણ સૂચના આપવામાં આવી. આ મુખ્ય રોડ ઉપર આવેલી 10 કે તેથી વધુ દુકાનો ધરાવતા વાણિજ્યક સ્થાનો પર યોગ્ય સ્થાનમાં વાહન પાર્ક થાય તે માટે કોઈ વ્યક્તિ મૂકવાની વ્યવસ્થા ગોઠવવા, રસ્તા પર ઓન-સ્ટ્રીટ પાર્કિંગ પર વધુ ચાર્જ વસુલવા, અનઅધિકૃત રીતે પાર્ક કરતા વાહન ચાલકો પાસેથી ભારે દંડ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


