અમદાવાદ : અમદાવાદમાં ન્યૂ રાણીપ અને રાણીપનો જોડતા જીએસટી અંડરપાસ વરસાદી માહોલને કારણે સ્વિમિંગ પુલ બન્યો છે. છેલ્લા 15 દિવસથી આની આજ સ્થિતિ છે. પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા નથી. એક તરફ લોકો જીવના જોખમે ક્રોસ કરી રહ્યા છે રેલવે ટ્રેક અને બીજી તરફ પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે.
આ અંડરપાસ આખો પાણીમાં ગરકાવ થયો હોવાથી લોકોએ અવરજવરમાં તકલીફ પડી રહી છે. આથી તેઓ રેલવે ટ્રેક પરથી પસાર થવા મજબૂર બન્યા છે. રેલિંગ પણ તૂટી ગયેલી હોવાને કારણે શાળાના બાળકો સહિત મહિલાઓ અને વૃદ્ધો ટ્રેક ક્રોસ કરતા નજરે પડી રહ્યા છે. આવામાં જો કોઇ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ?
ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષની અંડરપાસની કામગીરી દરમ્યાન ક્યારેક કામ ચાલે તો ક્યારેક બંધ થઇ જાય છે જેને કારણે આખરે કંટાળીને લોકોએ જાતે જ અંડરપાસનું લોકાર્પણ કરી દીધુ હતું. સ્થાનિકોનું કહેવુ છે કે આ અંડરપાસ બંધ રહેવાથી અમારે 3 કિલોમીટર ફરીને જવુ પડે છે. વિદ્યાર્થીઓને પણ શાળાએ જવા મુશ્કેલી વેઠવવાનો વારો આવે છે. આથી પરંતુ તંત્ર પણ બાકી કામગીરી પુરી કરવા કોઇ તસ્દી લઇ રહ્યું નથી.