અમદાવાદ : બાળકોમાં સંશોધનની જીજ્ઞાસા વધવા, નવી ટેક્નોલોજીનો પરિચય મળે અને પાંગરતી પ્રતિભાના વિકાસ માટે વિશાળ મંચ મળે તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ વિષયક વિવિધ કક્ષાએ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવે છે. તે અનુસંધાને સપ્તર્ષિ શાળા વિકાસ સંકુલ નંબર–6 દ્વારા શ્રી ન્યુ વિદ્યાવિહાર સ્કૂલ ફોર ગર્લ્સ ખાતે સફળતા પૂર્વક યોજાયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલ શ્રી ન્યુ વિદ્યાવિહાર સ્કૂલ ફોર ગર્લ્સ ખાતે સપ્તર્ષિ શાળા વિકાસ સંકુલ નંબર–6 દ્વારા ગત 18-11-2025 ને મંગળવારના રોજ બાળ વૈજ્ઞાનીક પ્રદર્શનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ અવસરે નવા વાડજમાં આવેલ લાયોનેસ કર્ણાવતી એમ.એચ. હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલ ના બાળ વૈજ્ઞાનિકોએ પાંચેય વિભાગોમાં તેમના મોડલો રજૂ કરી ઉત્તમ વૈજ્ઞાનિક પ્રતિભા દર્શાવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અને આ બાળ વૈજ્ઞાનીક પ્રદર્શનનું ઉદઘાટન અમદાવાદ શહેરના DEO શ્રી આર.એમ. ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.

વિશેષ નોંધનીય વાત એ છે કે આ વર્ષે કોમર્સ વિભાગના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તેમના સર્જનાત્મક વિચારોને આકર્ષક મોડલોના માધ્યમથી રજૂ કર્યા હતા. તેમના આ નવોપક્રમે કાર્યક્રમમાં નવી ઊર્જા અને પ્રેરણા પૂરાઈ હતી.

આ સમગ્ર પ્રદર્શન દરમિયાન લાયોનેસ કર્ણાવતી એમ.એચ. હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલના ટ્રસ્ટી ડૉ. અનિતાબેન પટેલ અને પ્રિન્સિપલ શ્રી દીપકભાઈ પટેલ વિદ્યાર્થીઓને હિંમત આપવા સતત હાજર રહ્યા હતા. તેમના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.


