અમદાવાદ : શહેરમાં ભવિષ્યમાં કોમનવેલ્થ ગેમ્સ તથા ઓલિમ્પિકની યજમાનીને તંત્રએ ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું છે. આ બંને ઇવેન્ટના કારણે વારંવાર વી.આઈ.પી. તથા વી.વી.આઈ.પીની મુવમેન્ટ રહેતી હોય છે. જેને લઈ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મુખ્ય જાહેર વિસ્તારોમાંથી રખડતા ઢોરને હટાવવાનું શરૂ કરી દીધું છે.જો કોઈપણ ઢોર આ વિસ્તારમાં રખડતું જોવા મળશે તો તેના માલિક વિરુદ્ધ પોલીસ કમિશનર જાહેરનામા ભંગ બદલ પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર પોલીસ કમિશનરે ન્યૂ વાડજ, નારણપુરા અને સ્ટેડિયમ વોર્ડના કેટલાક વિસ્તારોને ‘નો-કેટલ’ (ઢોરમુક્ત) ઝોન જાહેર કર્યા છે. જો આ વિસ્તારોમાં રખડતા ઢોર જોવા મળશે, તો તેમના માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં, હવે જાહેર સ્થળો પર ઘાસ કે પશુ આહાર વેચવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.ઢોર ત્રાસ અંકુશ વિભાગ (C.N.C.D.) ના સંકલનમાં રહી આ જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કાનુની કાર્યવાહી કરવામાં આવશે.
કેમ લેવામાં આવ્યો નિર્ણય
શહેરમાં દર અઠવાડિયે રખડતા ઢોરના કારણે માર્ગ અકસ્માતો થતા રહે છે. ઢોરની ટક્કરથી રાહદારીઓ કે ટુ-વ્હીલર સવારો ઘાયલ થયા હોય અથવા મૃત્યુ પામ્યા હોય તેવા અનેક કિસ્સાઓ નોંધાયા છે. આ લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાને ઉકેલવા અને મોટી ઇવેન્ટ્સ દરમિયાન વાહનોની સરળ અવરજવર સુનિશ્ચિત કરવા માટે, પોલીસે પસંદગીના વિસ્તારોમાં ઢોર પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.
રજિસ્ટ્રેશન ફરજિયાત
જાહેર નોટિસ મુજબ, ગાય અને ભેંસના માલિકો સહિત શહેરના તમામ ઢોર માલિકોએ 60 દિવસની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પાસે તેમના પશુઓની નોંધણી કરાવવી પડશે. દરેક પશુને રજિસ્ટ્રેશન ચિપ અથવા ટેગ લગાવવો પડશે. ઉપરાંત જો પશુની માલિકીમાં ફેરફાર થાય, તો તેની જાણ પણ AMC ને કરવી પડશે.
ઢોરમુક્ત જાહેર કરાયેલા વિસ્તારો
આ નોટિસમાં પશ્ચિમ ઝોનના મહત્વપૂર્ણ સ્થળોની યાદી આપવામાં આવી છે, જ્યાં ભીડ ભેગી થાય છે અને ટ્રાફિકને રખડતા ઢોરના કારણે અસર થતી હોય છે. આ વિસ્તારો હવે સત્તાવાર રીતે ‘ઢોરમુક્ત ઝોન’ તરીકે જાહેર કરાયા છે.
રિવરફ્રન્ટ
હેપ્પી સ્ટ્રીટ
ગુજરાત યુનિવર્સિટી
સીજી રોડ
ફ્લાવર પાર્ક
સરદાર પટેલ સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
ન્યૂ વાડજ વોર્ડમાં ભરવાડવાસ
શિવમ શાકમાર્કેટ
નિર્ણયનગર કેનાલ વિસ્તાર
જૂનો રાણીપ વિસ્તાર
સરદાર પટેલ સ્ટેડિયમ વિસ્તાર
નારણપુરા વોર્ડમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની આસપાસનો વિસ્તાર


