મુંબઈ : આજે સોમવારે મુંબઈમાં ગણેશ ચતુર્થી પહેલાં પ્રખ્યાત ‘લાલબાગચા રાજા’નો ફર્સ્ટ લૂક જાહેર કરવામાં આવ્યો હતો. લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળે તેમની 14 ફૂટ ઊંચી ગણેશ મૂર્તિ પરથી પડદો હટાવ્યો હતો. દર વર્ષે, મુંબઈની પુતલાબાઈ ચાલમાં ‘લાલબાગચા રાજા’ના દર્શન કરવા માટે લાખો ભક્તો લાલબાગ માર્કેટમાં ઉમટી પડે છે.
લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળે આ વર્ષે તેમની થીમ અયોધ્યા રામ મંદિર પર રાખી છે. જાણીતા આર્ટ ડાયરેક્ટર નીતિન ચંદ્રકાંત દેસાઈએ પંડાલની સજાવટને આકાર આપ્યો છે. ત્યારે આજે ગણપતિની મૂર્તિ પરથી પડદો ઉઠાવીને લાલબાગચા રાજાના દર્શન કરાવામાં આવ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ઢોલ-નગારા અને શરણાઈના સૂર સાથે લાલબાગચા રાજા ગણપતિની મૂર્તિ પરથી પડદો ઉઠાવવામાં આવ્યો હતો.