અમદાવાદ : રાજ્યમાં રસ્તે રખડતાં ઢોર મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઢોર પકડવાની કામગીરીને લઈ ભરવાડ યુવા સંગઠન દ્વારા આજે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભાજપ સરકાર વિરુદ્ધ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. ભાજપ પક્ષના ચિહ્નન પર ચોકડી મારેલા તેમજ અમારા ગામ (નેહડા)માં વોટ માગવા આવવું નહી એવા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા આજે સવારે અમદાવાદના રામોલ, CTM, જશોદાનગર,રબારી કોલોની, ઓઢવ,વટવા, ઇસનપુર અને નારોલ વિસ્તારમાં પોસ્ટરો લગાવી વિરોધ કરવામાં આવ્યો છે. નારાયણ ભરવાડે જણાવ્યું હતું કે કોર્પોરેશનની ટીમ ઘર પાસેથી અને બાંધેલી ગાયો પણ લઈ જાય છે. માતા અને બહેનોને હેરાન કરવામાં આવે છે.
અમારી માગ છે કે ગૌચરની જમીન પરના દબાણ ખાલી કરવામાં આવે. શહેરીકરણ બંધ કરી માલધારી વસાહત ઉભી કરવામાં આવે. વૈકલ્પિક જગ્યા આપી પછી શહેરીકરણ કરવામાં આવે તેવી અમારી માગ છે.