અમદાવાદ : ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાના રાજીનામા બાદ નવા પ્રમુખની વરણી કરવામાં આવી છે. ગુજરાત યુથ કોંગ્રેસના નવા પ્રમુખ પદે હરપાલસિંહ ચુડાસમાની નિમણૂંક કરવામાં આવી છે. યુથ કોંગ્રેસના નેતા હરપાલસિંહ ચુડાસમા અમદાવાદ જિલ્લા પંચાયત સદસ્ય અને ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના મંત્રી, મુંબઈ અને મહારાષ્ટ્રના પ્રભારી છે. હવે ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવતા તેમનું કદ વધ્યું છે.
હરપાલસિંહ ચુડાસમાને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસની કમાન સોંપવામાં આવી છે. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બીવી શ્રીનિવાસને વિશ્વનાથસિંહ વાઘેલાના રાજીનામાં બાદ ખાલી પડેલી જગ્યા પર હરપાલસિંહ ચુડાસમાની નિમણુંક કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે આજે ગુજરાત યુથ કોંગ્રેસના પદ પર રહેલા વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસ પાર્ટી પર ગંભીર આરોપો લગાવી યુથ કોંગ્રેસના પ્રમુખ પદેથી તેમજ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. વિશ્વનાથસિંહ વાઘેલાના રાજીનામાં બાદ ગુજરાત કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો હતો.