અમદાવાદ : અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતી કડી સમાન બ્રિજ અને અંડરપાસ એકપછી એક બંધ થઈ રહ્યા છે, જેના કારણે વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલેથી જ મુખ્ય બ્રિજ બંધ હોવાને કારણે ટ્રાફિકની સમસ્યા વકરી છે, ત્યારે હવે વધુ એક મહત્વનો માર્ગ બંધ થવાની જાહેરાત થતા શહેરીજનોની હાલાકીમાં મોટો વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને ઓફિસ અવર્સ દરમિયાન વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગો પર નિર્ભર રહેવું પડશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી માટે આગામી પાંચ તારીખથી આઠ દિવસ સુધી એટલે કે 12મી જાન્યુઆરી સુધી શાહીબાગ અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવશે. તંત્ર દ્વારા એરપોર્ટ, ગાંધીનગરથી શાહીબાગ દિલ્હી દરવાજા, કાલુપુર તરફ જતા વાહનચાલકોને ડફનાળા રિવરફ્રન્ટ થઈ શિલાલેખ સોસાયટી તરફના રસ્તે ડાયવર્ટ કરાશે. સુભાષ બ્રિજ બંધ હોવાથી આ રસ્તા પર પહેલેથી જ ટ્રાફિકનું ભારણ વધી ગયું છે. તેવામાં હવે વધુ વાહનો ડાયવર્ટ કરાતા ચક્કાજામની સ્થિતિ સર્જાશે. તેમજ રિક્ષા, બસ જેવા વાહનો રિવરફ્રન્ટ પર પ્રતિબંધિત હોય તેમના માટે કોઈ વૈકલ્પિક માર્ગ દર્શાવાયો નથી. ઉપરાંત દિલ્હી દરવાજા તરફ જતી સિટી બસના રૂટમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે અનેક નવા બ્રિજ અને જૂના બ્રિજના રિકન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સને કારણે આગામી બે વર્ષ એટલે કે ડિસેમ્બર 2027 સુધી અમદાવાદીઓએ ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડી શકવાની પરિસ્થિતિ સર્જાશે. અસારવા, સારંગપુર અને જૂના વાડજ જેવા મુખ્ય જંક્શનો પર હાલમાં કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
અમદાવાદમાં 330 કરોડ રૂપિયાના ખર્ચથી અસારવા ઉપરાંત સારંગપુર તથા જૂનાવાડજ જંકશન ઉપર ફ્લાયઓવર બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. અસારવા તથા સારંગપુર બ્રિજનું રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે. આ ઉપરાંત સુભાષ બ્રિજનું સુપર સ્ટ્રક્ચર તોડી નવું સુપર સ્ટ્રક્ચર બનાવવા 110 કરોડ રૂપિયા ખર્ચાશે.


