અમદાવાદ: શહેરના આંબાવાડી વિસ્તારમાં નવા વર્ષના દિવસે જ કરુણ દુર્ઘટના સર્જાય હતી. આંબાવાડી વિસ્તારમાં કલ્યાણ જ્વેલર્સની પાછળ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર સેન્ટીંગ ભાગનું કામ ચાલી રહેલું હતું તે દરમિયાન ત્રણ મજૂરો નીચે પડ્યા હતા, જે પૈકી બે શ્રમિકોના મોત થયા હતા.જ્યારે એક મજૂરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા એલિસબ્રિજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ પોલીસે બંને મૃતદેહને પીએમ માટે મોકલી આપી અકસ્માતે મોત નોંધી કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના આંબાવાડી વિસ્તારના કલ્યાણ જ્વેલર્સ નજીક રહેણાંક બાંધકામની આ સ્કીમમાં સવારે 10 થી 11 વાગ્યાની વચ્ચે મજૂરો સેન્ટીંગ પાટ બાંધવાનું કામ કરી રહ્યા હતા. ચોથા માળે પાલક ઉપર મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ ઉપરથી ત્રણ જેટલા મજૂરો નીચે પડ્યા હતા. આ દુર્ઘટનામાં મુળ રાજસ્થાનના શાંતિલાલ માનત અને દેવિલાલ ભીલનું મૃત્યુ થયું હોવાની વિગતો મળી હતી.જ્યારે એક મજૂરને ગંભીર રીતે ઇજા થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
મળતી વિગતો અનુસાર, સવારે જ શ્રમિકોએ સેન્ટિંગ બાંધાવાની કામગીરી શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાની સાથે એલિસબ્રિજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમાર્ટમ અર્થે ખસેડીને હાલ પોલીસે બંને મૃતદેહને પીએમ માટે મોકલી આપી અકસ્માતે મોત નોંધી કાર્યવાહી કરી છે.
કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર કામગીરી માટે મજૂરોની સેફટીના સાધનો આપીને તેમની પાસે કામગીરી કરાવવાની હોય છે ત્યારે સાઇટ પર ડેવલોપર દ્વારા મજૂરો પાસે ફાયર સેફ્ટીના સાધનો સાથે કામગીરી કરાવવામાં આવી હતી કે કેમ તેને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.


